આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાખો. ગોરાઓની હસ્તીને સારુ સરકાર તેની જરૂર જુએ છે. કાયદાના હેતુને જાળવીને વિગતો બાબત તમારે કંઈ પણ સૂચના કરવાની હોય તો તે ઉપર સરકાર અવશ્ય ધ્યાન આપશે, અને મારી ડેપ્યુટેશનને એવી સલાહ છે કે કાયદાનો સ્વીકાર કરી વિગતો બાબત જ સૂચનાઓ કરવાનું તમે રાખશો તો તેમાં તમારું હિત છે." પ્રધાનની સાથે થયેલી દલીલો અહીં હું નથી નોંધતો, કેમ કે તે બધી દલીલો પાછળ આવી ગઈ છે. પ્રધાનની આગળ રજૂ કરવામાં માત્ર ભાષાભેદ જ હતો – દલીલો તો એ જ હતી. પ્રધાનની સલાહ છતાં પણ કોઈ એ કાયદાનો સ્વીકાર નહીં કરી શકે એમ કહીને અને ઓરતોને કાયદામાંથી મુક્ત રાખવાના સરકારના ઈરાદાને સારુ આભાર માનીને ડેપ્યુટેશને વિદાયગીરી લીધી. અોરતોની મુક્તિ કોમની હિલચાલને લીધે થઈ કે સરકારે જ વધુ વિચારે મિ. કર્ટિસની શાસ્ત્રપદ્ધતિનો ઈન્કાર કરી કંઈક લૌકિક વહેવારને પણ નજરમાં રાખ્યો એ કહેવું મુશ્કેલ છે. સરકારપક્ષનો એ દાવો હતો કે કોમની હિલચાલને લીધે નહીં પણ સ્વતંત્ર રીતે જ સરકાર એ વિચાર ઉપર આવી હતી. ગમે તેમ હો, પણ કાગતાડના ન્યાય પ્રમાણે કોમે તો માની લીધું કે કેવળ કોમની હિલચાલની જ એ અસર હતી અને તેથી લડવાનો ઉમંગ વધ્યો.

કોમના આ ઈરાદાને અથવા હિલચાલને શું નામ આપી શકાય એ અમે કોઈ જાણતા ન હતા. એ વખતે મેં એ હિલચાલને 'પેસિવ રિઝિસ્ટન્સ'ના નામથી ઓળખાવી. પેસિવ રિઝિસ્ટન્સનું રહસ્ય પણ એ વખતે હું પૂરું જાણતો કે સમજતો ન હતો. કંઈક નવી વસ્તુનો જન્મ થયો છે એટલું હું સમજ્યો હતો. લડત જેમ આગળ વધતી ગઈ તેમ પેસિવ રિઝિસ્ટન્સ નામથી ગૂંચવાડો થતો ગયો અને આ મહાન યુદ્ધને અંગ્રેજી નામે જ ઓળખાવવું એ મને શરમભરેલું લાગ્યું. વળી કોમની જીભે એ શબ્દો ચડી પણ ન શકે એવા હતા. તેથી 'ઈન્ડિયન ઓપીનિયન'માં સારામાં સારો શબ્દ શોધી કાઢે તેને સારુ એક નાનુ સરખું ઈનામ જાહેર કર્યું, તેમાં કેટલાંક નામો આવ્યાં. આ વખતે લડતનું રહસ્ય 'ઈન્ડિયન ઓપીનિયન'માં સારી રીતે ચર્ચાઈ ગયું હતું, તેથી હરીફોની પાસે શોધ કરવાને