આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમજાવવા નથી ઈચ્છતો કે હિંદી કોમની પાસે મતાધિકારનું બળ હોત અથવા હથિયારબળ હોત તોપણ એ સત્યાગ્રહ જ કરત. મતાધિકારનું બળ હોય તો સત્યાગ્રહને ઘણે ભાગે અવકાશ ન હોય. હથિયારબળ હોય ત્યારે સામેનો પક્ષ જરૂર ચેતીને ચાલે એટલે હથિયારબળવાળાને સત્યાગ્રહના પ્રસંગ થોડા આવે એ પણ સમજી શકાય એવી વાત છે. મારું કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે હિંદી હિલચાલની કલ્પનામાં હથિયારબળની શકયતા-અશકયતાનો સવાલ મારા મનમાં પેદા જ નહોતો થયો, એમ હું નિશ્ચયપૂર્વક કહી શકું છું. સત્યાગ્રહ એ કેવળ આત્માનું બળ છે, અને જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય અથવા કલ્પાતો હોય ત્યાં અને તેટલે અંશે આત્મબળનો ઓછો ઉપયોગ હોય છે. મારી માન્યતા પ્રમાણે એ બન્ને કેવળ વિરોધી શક્તિઓ છે. અને આ વિચાર હિલચાલના જન્મ વખતે પણ મારા હૃદયમાં તો પૂરેપૂરા ઊતરી ગયા હતા.

પણ આ સ્થાને એ વિચારો યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય આપણે કરવાનો નથી. આપણે તો માત્ર પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહ વચ્ચે જે ભેદ છે એ જ સમજી લેવાનો રહ્યો છે. અને આપણે જોયું કે મૂળમાં જ બે શક્તિઓ વચ્ચે ધણો જ મોટો ભેદ છે. તેથી, જો એ સમજ્યા વિના, પોતાને પેસિવ રિઝિસ્ટર અથવા સત્યાગ્રહી મનાવનારા બન્ને એક જ છે એમ અરસપરસ માને તો એ બન્નેને અન્યાય થાય અને તેનાં માઠાં પરિણામ પણ આવે. અમે પોતે જ દક્ષિણ આફ્રિકામાં પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ કરતા હતા. તેથી મતાધિકારને સારુ લડનારી ઓરતોની બહાદુરી અને આપભોગનું અમારામાં આરોપણ કરીને અમને યશ આપનારા તો ઘણા થોડા હતા, પણ એ ઓરતોની જેમ અમને પણ જાનમાલને નુકસાન પહોંચાડનારા ગણી કાઢવામાં આવતા હતા. અને મિ. હૉસ્કિન જેવા ઉદાર દિલના નિખાલસ મિત્રે પણ અમને નબળા માની લીધા. માણસ પોતાને જેવો માને છે તેવો છેવટે પોતે બને છે એવું વિચારનું બળ રહ્યું છે. આપણે નબળા છીએ તેથી ન ચાલતાં પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ કરીએ છીએ એમ