આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને એ ઈરાદાથી અમે સ્થાયી સમિતિ નીમવાનો નિશ્ચય કર્યો. બધા પક્ષના માણસોને એ ગમ્યું.

દરેક સંસ્થાનો આધાર મુખ્યત્વે તેના મંત્રી ઉપર રહે છે. મંત્રી એવો હોવો જોઈએ કે જેનો એ સંસ્થાના હેતુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, એટલું જ નહીં પણ તેને એ હેતુની સફળતા મેળવવા સારુ પોતાનો ઘણોખરો વખત આપવાની શક્તિ હોય અને કામ કરવાની લાયકાત હોય. મિ. રિચ જે દક્ષિણ આફ્રિકાના જ હતા, જે મારી અૉફિસમાં જ મહેતાગીરી કરતા હતા અને જે આ વખતે લંડનમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરતા હતા તેમનામાં આ બધા ગુણ હતા. તે વિલાયતમાં હતા ને આ કામ કરવાની તેમની ઈચ્છા પણ હતી. તેથી કમિટી નીમવાની અમે હિંમત કરી શકયા. વિલાયતમાં અથવા તો પશ્ચિમમાં એક એવો મારી દૃષ્ટિએ અસભ્ય રિવાજ છે કે સારાં સારાં કામનાં મુહૂર્ત ખાણાને સમયે મંડાય છે. બ્રિટિશ પ્રધાન પોતાની વાર્ષિક કારકિર્દીનું અને ભવિષ્યના પોતાના વરતારાનું, આખી દુનિયાનું ધ્યાન ખેંચનારું ભાષણ દર વર્ષે નવમી નવેમ્બરે મેન્શન હાઉસ નામના મહાન વેપારીઓના સ્થાનકમાં કરે. પ્રધાનમંડળ વગેરેને લોર્ડ મેયર તરફથી ખાણાનું નિમંત્રણ આપવામાં આવે છે, અને ત્યાં ખાણું થઈ રહ્યા પછી શરાબની બાટલીઓ ખૂલે અને યજમાન અને અતિથિની તંદુરસ્તી ઈચ્છવાને સારુ શરાબ પીવામાં આવે. અને આ શુભ અથવા તો અશુભ (સૌ પોતાની દૃષ્ટિ પ્રમાણે વિશેપણ ચૂંટી લેશે) કાર્ય ચાલતું હોય ત્યારે ભાષણો પણ થાય. તેમાં બાદશાહી પ્રધાનમંડળનો (તંદુરસ્તીનો આશીર્વાદ) 'ટોસ્ટ' પણ દાખલ થાય એ ટોસ્ટના જવાબમાં મેં ઉપર જણાવ્યું એ મુખ્ય પ્રધાનનું મહત્ત્વનું ભાષણ કરવામાં આવે છે. અને જેમ જાહેરમાં તેમ જ ખાનગીમાં જે કોઈની સાથે ખાસ મસલત કરવી હોય તો તેને જમવાને નોતરવાનો રિવાજ હોય છે, અને કોઈ વેળા જમતાં જમતાં તો કોઈ વેળા જમણ પૂરું થયા બાદ એ મસલત છેડવામાં આવે છે. અમારે પણ એક વખત નહીં પણ અનેક વખત આ રિવાજને વશ થવું પડ્યું હતું. પણ કોઈ વાંચનાર એવો અર્થ ન કરે કે અમારામાંના એકેયે અપેય પીધેલું કે અખાદ્ય ખાધેલું.