આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે અમે આ પ્રમાણે એક સવારનાં નોતરાં કાઢયાં, અને તેમાં બધા મુખ્ય સહાયકોને નોતર્યા, લગભગ સોએક નોતરાં મોકલ્યાં હતાં. આ ખાણાનું નિમિત્ત સહાયકોનો ઉપકાર માનવાનું અને તેમની વિદાયગીરી લેવાનું હતું, અને સાથે જ સ્થાયી કમિટી બનાવવાનું હતું. તેમાં પણ શિરસ્તા મુજબ ખાણા પછી ભાષણો થયાં, અને કમિટીની સ્થાપના પણ થઈ. એથી પણ અમારી હિલચાલને વધારે જાહેરાત મળી.

છએક અઠવાડિયાં આ પ્રમાણે ગાળી અમે દક્ષિણ આફ્રિકા તરફ પાછા ફર્યા. મદિરા પહોંચતાં અમને મિ. રિચનો તાર મળ્યો કે લોર્ડ એલ્ગિને જાહેર કર્યું છે કે ટ્રાન્સવાલનો એશિયાટિક એક્ટ નામંજૂર રાખવાની પ્રધાનમંડળે બાદશાહને ભલામણ કરી છે. અમારા હર્ષનું તો પછી પૂછવું જ શું હોય ? મદિરાથી કેપટાઉન પહોંચતાં ૧૪-૧૫ દિવસ લાગે છે એ તો અમે બહુ ચેનમાં ગાળ્યા અને ભવિષ્યમાં બીજાં દુ:ખો ટાળવાને સારુ શેખચલ્લી જેવા હવાઈ મહેલો બાંધવા માંડ્યા. પણ દેવગતિ ન્યારી જ છે. અમારા મહેલો કેવા ધસી પડયા એ હવે પછીના પ્રકરણમાં વિચારીશું.

પણ આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એકબે પવિત્ર સ્મરણ છોડી શકાય એવાં નથી. મારે એટલું તો કહેવું જ જોઈએ કે વિલાયતમાં એક ક્ષણ પણ અમે નકામી તો જવા દીધી જ ન હતી. ઘણા સર્ક્યુલરો વગેરે મોકલવા એ બધું એકલે હાથે ન થઈ શકે. તેમાં મદદ ખૂબ જોઈએ જ. પૈસા ખર્ચતાં ઘણીખરી મદદ મળી શકે. પણ શુદ્ધ સ્વયંસેવકની મદદ જેવી એ મદદ ઊગી નથી નીકળતી એવો મારો ૪૦ વર્ષનો અનુભવ છે, એમ કહી શકાય. સદભાગ્યે એવી મદદ અમને મળી. ઘણા હિંદી યુવકો જે ત્યાં અભ્યાસ કરતા હતા તે અમારી આસપાસ વીંટળાઈ રહેતા અને તેમાંના કેટલાક સાંજ-સવાર, ઈનામની કે નામની આશા રાખ્યા વિના, અમને મદદ દેતા. સરનામાં કરવાનું, નકલો કરવાનું, ટિકિટ ચોંટાડવાનું કે ટપાલે જવાનું – કંઈ પણ કામ પોતાના દરજજાને ન છાજે એવું છે એવા બહાનાથી યુવકોમાંથી કોઈએ ન કર્યું એવું મને યાદ જ નથી. પણ એ બધાને કોરે મૂકી દે એવી મદદ કરનાર એક દક્ષિણ