આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આફ્રિકામાં મળેલો અંગ્રેજ મિત્ર હતો. તે હિંદુસ્તાનમાં રહેલાં, તેનું નામ સિમંડ્ઝ હતું. અંગ્રેજીમાં એક કહેવત છે કે દેવતાઓ જેઓની ઉપર વહાલ રાખે છે તેઓને તે પોતાની પાસે વહેલા લઈ જાય છે. ભરજુવાનીમાં અા પરદુ:ખભંજન અંગ્રેજને યમદૂત લઈ ગયો. પરદુઃખભંજન વિશેષણ વાપરવાનું ખાસ કારણ છે. આ ભલો ભાઈ જ્યારે મુંબઈમાં હતો ત્યારે, એટલે ૧૮૯૭ની સાલમાં, મરકીના હિંદી દર્દીઓમાં બેધડક થઈને રખડેલ, અને તેઓને તેણે મદદ કરેલ. ચેપી રોગવાળાઓને સહાય કરતાં મરણનો લેશમાત્ર પણ ડર ન રાખવો એ તો તેના ખમીરમાં ઘડાઈ ગયેલું હતું. તેનામાં જાતિ કે રંગદ્વેષનો છાંટોય ન હતો. તેનો મિજાજ અતિશય સ્વતંત્ર હતો. તેનો એક સિદ્ધાંત હતો કે નાના પક્ષ એટલે “માઈનૉરિટી”ની સાથે જ હમેશાં સત્ય વસે છે. એ સિદ્ધાંતને વશ થઈને તે જોહાનિસબર્ગમાં મારી તરફ ખેંચાયેલ, અને વિનોદમાં મને ઘણી વખત સંભળાવેલું કે જો તમારો પક્ષ મોટો હોય તો તમે ખચીત માનજે કે હું તમને મુદ્દલ સાથ ન દઉં, કેમ કે 'મેજોરિટી'ના (મોટા પક્ષના) હાથમાં સત્ય પણ અસત્યનું સ્વરૂપ લઈ લે છે, એમ હું માનનારો છું. એનું વાચન બહોળું હતું. જોહાનિસબર્ગના એક કરોડપતિ સર જ્યૉર્જ ફરનનો તે અંગત વિશ્વાસુ મંત્રી હતો. શૉર્ટહેન્ડ (લધુલેખન) લખવામાં તે એક્કો હતો. વિલાયતમાં અમે પહોંચ્યા ત્યારે તે અનાયાસે જ આવી પહોંચેલ. મને તેના ઠેકાણાની ખબર ન હતી. પણ અમે તો જાહેર માણસ રહ્યા એટલે અખબારે ચડેલા, તેથી આ ભલા અંગ્રેજે અમને શોધી કાઢયા અને જે કંઈ મદદ બની શકે તે કરવા તૈયારી બતાવી: 'મને પટાવાળાનું કામ સોંપશો તો એ પણ હું કરીશ, અને જો શોર્ટહેન્ડનો ખપ હોય તો તો તમે જાણો જ છો કે મારા જેવો કુશળ માણસ તમને બીજે ન જ મળે.' અમને તો બંને મદદ જોઈતી હતી. અને આ અંગ્રેજે રાત અને દહાડો વગર પૈસે અમારું વૈતરું કર્યું છે એમ કહવામાં હું લેશમાત્ર અતિશયોક્તિ નથી કરતો. રાતના બાર બાર અને એક એક વાગ્યા સુધી તો એ હમેશાં ટાઈપરાઈટર ઉપર હોય જ. સંદેશા લઈ જવા, ટપાલે જવું, એ પણ સિમંડ્ઝ કરે અને બધું હસતે મુખે. મને