આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહે છે. ટ્રાન્સવાલની વતી એલચી સર રિચર્ડ સોલોમન દક્ષિણ આફ્રિકામાં પ્રખ્યાતિ પામેલા વકીલ હતા. ખૂની કાયદો નામંજૂર કરવાનો ઠરાવ સર રિચર્ડ સોલોમનની સાથે મસલત કરીને લૉર્ડ એલ્ગિને કરેલો. ૧૯૦૭ના જાન્યુઆરીની પહેલી તારીખથી ટ્રાન્સવાલને જવાબદાર સત્તા મળવાની હતી. તેથી લોર્ડ એલ્ગિને સર રિચર્ડ સોલોમનને વિશ્વાસ આપ્યો કે, "આ જ કાયદો જો જવાબદાર ધારાસભામાં પસાર થશે તો વડી સરકાર તે નામંજૂર નહીં કરે, પણ જ્યાં સુધી ટ્રાન્સવાલ સલ્તનતી સંસ્થાન ગણાય છે ત્યાં સુધી આવા ભેદભાવવાળા કાયદાને સારુ વડી સરકાર સીધી જવાબદાર ગણાય છે. અને વડી સરકારના બંધારણમાં ભેદવાળી રાજ્યનીતિને સ્થાન નથી અપાતું. તેથી એ સિદ્ધાંતને માન આપવા ખાતર મારે હાલ તો આ કાયદો નામંજૂર રાખવાની જ સલાહ બાદશાહને આપવી જોઈએ."

અામ નામની ખાતર માત્ર કાયદો રદ થાય અને સાથે ટ્રાન્સવાલના ગોરાઓનું પણ કામ થાય તો સર રિચર્ડ સોલોમનને કંઈ હરકત ન હતી, – કેમ હોઈ શકે ? આ રાજ્યનીતિને મેં 'વક્ર' વિશેષણથી ઓળખાવી છે. પણ ખરું જોતાં એનાથી વધારે તીખું વિશેષણ વાપરીએ તોપણ એ નીતિ ચલાવનારાઓને કશો અન્યાય ન થાય એવી મારી માન્યતા છે. સલ્તનતી સંસ્થાનના કાયદાઓ વિશે વડી સરકારની સીધી જવાબદારી છે. તેના બંધારણમાં રંગ અને જાતિભેદને સ્થાન નથી. એ બંને વાત તો બહુ સુંદર છે. જવાબદાર રાજસત્તા ભોગવતાં સંસ્થાનોએ ઘડેલા કાયદા એકાએક વડી સરકાર રદ ન કરી શકે એ પણ સમજાય એવું છે. પણ સંસ્થાનના એલચીઓની સાથે છૂપી મસલતો કરવી, તેમને પહેલેથી વડી સરકારના બંધારણ વિરુદ્ધના કાયદાઓને નામંજૂર ન કરવાનું વચન આપવું, એમાં જેઓના હક છીનવાતા હોય તેઓના તરફ દગો અને અન્યાય નથી ? લોર્ડ એલ્ગિને વચન આપીને ખરું જોતાં ટ્રાન્સવાલના ગોરાઓને તેઓની હિંદીઓ વિરુદ્ધની હિલચાલ જારી રાખવાનું ઉત્તેજન આપ્યું એમ જ કરવું હતું તો હિંદી પ્રતિનિધિઓની સાથે ચોખવટ કરવાની જરૂર હતી. વસ્તુતાએ, જવાબદાર સંસ્થાનોના કાયદાને સારુ પણ સલ્તનત જવાબદાર