આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એક કે બે શબ્દના ફેરફાર[૧] સાથે જેવો એ પ્રથમ ઘડાયો હતો અને પાસ થયો હતો તેવો જ પાસ થયો. આ શબ્દફેરને કાયદાની સખતીની સાથે કશોયે સંબંધ ન હતો. તે તો જેવી હતી તેવી જ કાયમ રહી. એટલે કાયદો રદ થયો હતો, એ તો કેવળ સ્વપ્નવત્ થઈ ગયું. હિંદી કોમે રિવાજ મુજબ અરજીઓ વગેરે તો કર્યા, પણ એ તૂટીનો અવાજ કોણ સાંભળે એમ હતું? એ કાયદા પ્રમાણે નવા પરવાના લેવાનું શરૂ કરવાની તારીખ એ જ વર્ષ(૧૯૦૭)ની પહેલી ઓગસ્ટ[૨] રાખવામાં આવી હતી. એટલી મુદત રાખવાનું કારણ કોમની ઉપર મહેરબાની ન હતું, પણ એ કાયદામાં ધોરણ પ્રમાણે વડી સરકારની પણ સંમતિ હોવી જોઈએ. તેને કંઈક વખત જાય. વળી તેના પરિશિષ્ટ પ્રમાણે પત્રકો, ચોપડીઓ, પરવાનાઓ વગેરે તૈયાર કરાવવાં, જુદે જુદે ઠેકાણે પરવાનાની ઓફિસો ખોલવી વગેરેમાં પણ વખત જાય. તેથી એ પાંચછ મહિનાની મુદત ટ્રાન્સવાલ સરકારે પોતાની જ સગવડને ખાતર લીધી હતી.


૧૬. અહમદ મહમદ કાછલિયા

ડેપ્યુટેશન વિલાયત જતું હતું ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રહેલા એક અંગ્રેજ મુસાફરે જ્યારે ટ્રાન્સવાલના કાયદાની વાત મારે મોઢેથી સાંભળી અને અમારું વિલાયત જવાનું કારણ પણ સાંભળ્યું ત્યારે તે બોલી ઊઠયો, "તમે કૂતરાનો પટ્ટો (ડોગ્સ કૉલર) પહેરવાનો

  1. એ ફેરફાર આ હતો : કાયદાની એક કલમમાં તારીખ નાખેલી હતી; તે તારીખ ફેર તો કરવો જ જોઈએ. એટલે એ તારીખનો જ માત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો. ૧૯૦૭ના માર્ચની ૨૧મી તારીખે એક જ બેઠકમાં ધારાસભાએ તે કાયદાના બધા વિધિ પૂરા કરી તે પસાર કરેલો.
  2. તારીખમાં આ ફેરફાર છે : એ કાયદો ૧૯૦૭ના જુલાઈની ૧લીથી લાગુ થતો જાહેર કરેલો; અને હિંદીઓએ ૩૧મી જુલાઈ પહેલાં પરવાના કઢાવવા અરજી કરવી એમ હુકમ હતો.