આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૈસા આપેલા હોય તેઓના પૈસાનું શું? આ વિચારો પણ કરવા યોગ્ય હતા. છેવટમાં સત્યાગ્રહીનો દૃઢ નિશ્ચય હતો કે જેઓ અશ્રદ્ધાને લીધે, અશક્તિને લીધે, કે બીજાં ગમે તે કારણસર સત્યાગ્રહમાં જોડાય નહીં તેઓના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો, એટલું જ નહીં, પણ તેઓની સાથે વર્તતા સ્નેહભાવમાં કંઈ પણ ફેરફાર ન થવા દેવો અને સત્યાગ્રહ સિવાયની બીજી હિલચાલોમાં તેઓની સાથે સાથે જ કામ કરવું.

આવી જાતના વિચારોથી એક ચાલુ મંડળની મારફતે સત્યાગ્રહની હિલચાલ ન ચલાવવી એ નિશ્ચય પર આખી કોમ આવી. બીજાં મંડળો આપી શકાય તેટલું ઉત્તેજન આપે. બીજાં મંડળો પણ સત્યાગ્રહ સિવાયના બીજા જે જે ઉપાયો ખૂની કાયદાની સામે લઈ શકાય તે લે. એથી 'પેસિવ રિઝિસ્ટન્ટ એસોસિયેશન' અથવા સત્યાગ્રહ મંડળ એ નામનું નવું મંડળ સત્યાગ્રહીઓએ ઊભું કર્યું. અંગ્રેજી નામ ઉપરથી વાંચનાર સમજી લેશે કે જે વખતે આ નવું મંડળ હસ્તીમાં આવ્યું તે વખતે સત્યાગ્રહ નામની શોધ થઈ ન હતી. જેમ જેમ વખત જતો ગયો, તેમ તેમ માલૂમ પડયું કે નોખું મંડળ કાઢવાથી દરેક રીતે પ્રજાને ફાયદો જ થયો, અને જો તેમ ન થયું હોત તો સત્યાગ્રહની હિલચાલને તો કદાચ નુકસાન જ થાત. અા નવા મંડળમાં સંખ્યાબંધ સભાસદો થયા અને પ્રજાએ પૈસો પણ છૂટે હાથે ભર્યો.

મારા અનુભવે મને તો એ જ બતાવ્યું છે કે કોઈ પણ હિલચાલ પૈસાને અભાવે નથી પડી ભાંગતી, નથી અટકતી કે નથી નિસ્તેજ થતી. આનો અર્થ એવો નથી કે દુન્યવી કોઈ પણ હિલચાલ પૈસા વિના ચાલી શકે. પણ એનો અર્થ અવશ્ય એ છે કે જ્યાં ખરા સંચાલકો હોય છે ત્યાં પૈસો એની મેળે જ આવે છે. એથી ઊલટો અનુભવ મને એવો પણ થયો છે કે જે હિલચાલને પૈસાની છોળ થઈ પડે છે તે હિલચાલની તે જ સમયથી અવનતિ શરૂ થાય છે. અને તેથી મારા અનુભવમાં તો એક એ સિદ્ધાંત પણ આવેલો છે કે, કોઈ પણ સાર્વજનિક સંસ્થાએ મૂડી એકઠી કરીને વ્યાજથી પોતાનો વહીવટ ચલાવવો એ પાપ છે એમ કહેતા તો મારી હિંમત