આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતું. આખા ટ્રાન્સવાલમાં હિંદીઓની વસ્તી ૧૩,૦૦૦થી વધારે ન ગણાય. તેમાંની દશ હજારથી વધારે તો જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં જ સમાઈ જાય. તેટલી સંખ્યામાંથી પાંચછ હજાર લોકો સભામાં હાજર થાય એ પ્રમાણ દુનિયાના કોઈ પણ ભાગમાં ઘણું જ મોટું અને ઘણું સંતોષકારક ગણી શકાય. સાર્વજનિક સત્યાગ્રહની લડત બીજી કોઈ શરતે લડી પણ ન શકાય. કેવળ પોતાની જ શક્તિ ઉપર જે લડતનો આધાર રહ્યો છે ત્યાં તે તે વિષયની સાર્વજનિક તાલીમ ન અપાઈ હોય તો લડત ચાલી જ ન શકે. તેથી આવી હાજરી એ અમને કામદારોને નવાઈભરેલી નહોતી લાગતી. અમે પ્રથમથી જ નિશ્ચય કરી લીધો હતો કે જાહેર સભાઓ મેદાનમાં જ ભરવી, જેથી ખરચ કંઈ લાગે નહીં અને જગાની તંગીને લીધે એક પણ માણસને પાછા ન જવું પડે. અહીં એ પણ નોંધવા યોગ્ય છે કે આ બધી સભાઓ ઘણે ભાગે અત્યંત શાંત રહેતી. અાવનારાઓ બધું ધ્યાનપૂર્વક સાંભળતા. કોઈ સભાને છેવાડે ઊભા હોય તે ન સાંભળે તો બોલનારને ઊંચા સાદે બોલવાનું સૂચવે. વાંચનારને જણાવવાની જરૂર ન હોવી જોઈએ કે આવી સભાઓમાં ખુરશીઓ વગેરેની ગોઠવણ તો હોય જ નહીં. સૌ જમીન ઉપર બેસી જાય. માત્ર પ્રમુખ, બોલનાર અને બેચાર બીજા પ્રમુખની પડખે બેસી શકે એવો માંચડો ગોઠવવામાં આવતો અને તેની ઉપર એક નાનકડું ટેબલ અને બેચાર ખુરશીઓ કે સ્ટૂલ હોય.

અા પ્રિટોરિયાની સભાના પ્રમુખ તરીકે બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનના હંગામી પ્રમુખ યુસુફ ઈસ્માઈલ મિયાં હતા. ખૂની કાયદાની રૂએ પરવાના કાઢવાનો વખત નજીક આવતો હતો, તેથી જેમ હિંદીઓ ઘણા જુસ્સાવાળા છતાં ચિંતાતુર હતા તેમ જનરલ બોથા અને સ્મટ્સ પણ, પોતાની સરકારની પાસે અમોઘ બળ હોવા છતાં, ચિંતાતુર હતા. એક આખી કોમને બળાત્કારે નમાવવી એ કોઈને ગમે તો નહીં જ. તેથી જનરલ બોથાએ આ સભામાં મિ. હૉસ્કિનને અમને સમજાવવા સારુ મોકલ્યા હતા. મિ. હૉસ્કિનની ઓળખાણ હું પ્રકરણ ૧૩માં કરાવી ગયો છું. સભાએ તેમને વધાવી લીધા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું, "હું તમારો મિત્ર છું, એ તમે જાણો છો. મારી