આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પણ સ્વયંસેવકોની ચોક્સાઈ એટલી બધી સખત હતી કે, પળેપળની ખબર કોમને પડતી. એશિયાટિક અૉફિસમાં પણ એવા તો કોઈ હોય જ કે જે સત્યાગ્રહીઓને આવી જાતની ખબર આપે. બીજા વળી નબળા છતાં એવા હોય કે આગેવાનોનું કાયદાને શરણ થવું સહન ન કરી શકે, અને જો તેઓ મક્કમ રહે તો પોતે પણ રહીં શકે એવા સદભાવથી સત્યાગ્રહીઓને ખબર આપી દે. આમ એક વાર આવી ચોક્સાઈને લીધે કોમને તુરત ખબર મળી કે અમુક રાત્રિએ અમુક દુકાનમાં અમુક માણસો પરવાના કઢાવવાના છે; તેથી એવો ઈરાદો રાખનારાને કોમે પ્રથમ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ દુકાનની ચોકી પણ કરી. પણ માણસ પોતાની નબળાઈને ક્યાં સુધી દબાવી શકે ? રાતના દસ-અગિયાર વાગ્યે આ પ્રમાણે કેટલાક અાગેવાનોએ પરવાના કઢાવ્યા અને એકસૂત્ર ચાલતી વાંસળીમાં એક ફૂટ પડી. બીજે જ દિવસે એ નામો પણ કોમે પ્રકટ કર્યા. પણ શરમનેય હદ હોય છે. સ્વાર્થ જ્યારે સામો આવીને ઊભો રહે છે, ત્યારે શરમ વગેરે કામ નથી આવતાં અને માણસ લથડી પડે છે. આ પહેલી ફૂટને અંગે ધીમે ધીમે પાંચસોએક માણસોએ પરવાના લીધા. કેટલાક દિવસ સુધી તો પરવાના કાઢવાનું કામ ખાનગી મકાનોમાં જ ચાલ્યું. પણ જેમ જેમ શરમ મોળી પડતી ગઈ તેમ તેમ આ પાંચસોમાંના કેટલાક જાહેર રીતે પણ પોતાનાં નામ નોંધાવવા એશિયાટિક ઓફિસમાં ગયા.


૧૮. પહેલો સત્યાગ્રહી કેદી

અથાગ પ્રયત્ન કર્યા પછી જ્યારે એશિયાટિક ઓફિસને પ૦૦થી વધારે નામ ન મળી શકયાં ત્યારે કોઈકને પણ પકડવા જોઈએ એ નિશ્ચય પર એશિયાટિક અમલદારો આવ્યા. વાંચનાર જર્મિસ્ટન નામ જાણે છે. ત્યાં ઘણા હિંદીઓ રહેતા હતા. તેમાં રામસુંદર પંડિત કરીને એક હિંદી પણ હતો. તે દેખાવમાં બહાદુર જેવો અને વાચાળ હતો, થોડાઘણા શ્લોક પણ જાણતો હતો. ઉત્તર