આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદુસ્તાનનો એટલે રામાયણના દુહા-ચોપાઈ તો જાણે જ, અને પંડિત કહેવાય તેથી લોકોમાં તેની પ્રતિષ્ઠા પણ હતી. તેણે ભાષણો ઠેકઠેકાણે કર્યા. અને ભાષણોમાં એ ખૂબ જુસ્સો રેડી શકતો. ત્યાંના કેટલાક વિઘ્નસંતોષી હિંદીઓએ એશિયાટિક ઓફિસને જણાવ્યું કે જો રામસુંદર પંડિતને પકડવામાં આવે તો જર્મિસ્ટનના ઘણા હિંદીઓ એશિયાટિક ઓફિસમાંથી પરવાના લે. રામસુંદર પંડિતને પકડવાને સારુ આ લાલચને વશ થયા વિના તે ઓફિસનો અમલદાર ન જ રહી શકે. રામસુંદર પંડિત પકડાયા. આવી જાતનો આ પહેલો જ કેસ હોવાથી સરકારમાં તેમ જ કોમમાં ખૂબ ખળભળાટ થયો. રામસુંદર પંડિત જેને માત્ર જર્મિસ્ટન જ જાણતું હતું તેને એક ક્ષણમાં આખું આફ્રિકા જાણતું થયું. એક મહાન પુરુષનો કેસ ચાલતો હોય અને બધાની નજર તેની ભણી વળે તેમ સૌની નજર રામસુંદર પંડિત તરફ વળી. કોઈ પણ જાતનો સુલેહ જાળવવાનો બંદોબસ્ત રાખવાની સરકારને જરૂર ન હતી. છતાં તેવો બંદોબસ્ત પણ કર્યો. અદાલતમાં પણ રામસુંદર કોમનો એક પ્રતિનિધિ છે અને સામાન્ય ગુનેગાર નથી એવી રીતે તેનો આદર થયો. અદાલત ઉત્સુક હિંદીઓથી ભરાઈ ગઈ હતી. રામસુંદરને એક મહિનાની સાદી જેલ મળી. તેને જોહાનિસબર્ગની જેલમાં રાખવામાં આવ્યો હતો. તેને સારુ યુરોપિયન વોર્ડમાં અલગ કોટડી હતી. તેને મળવામાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. બહારથી ખાવાનું જવા દેતા હતા અને કોમ તરફથી હંમેશાં સુંદર ખાણું પકાવીને મોકલવામાં આવતું હતું. તે જે ઈચ્છે તે પૂરું પાડવામાં આવતું હતું. કોમે તેની જેલનો દિવસ ભારે ધામધૂમથી ઊજવ્યો. કોઈ હતાશ ન થયું પણ ઉત્સાહ વધ્યો. જેલ જવાને સેંકડો રાજી હતા. એશિયાટિક ઓફિસની આશા ફળીભૂત ન થઈ. જર્મિસ્ટનના હિંદી પણ પરવાનો લેવા ન ગયા. ફાયદો કોમને જ મળ્યો. મહિનો પૂરો થયો. રામસુંદર છૂટ્યા અને વાજતેગાજતે સરઘસમાં તેમને જ્યાં સભા ભરવાનું મુકરર કર્યું હતું ત્યાં લઈ ગયા. ઉત્સાહપૂર્વક ભાષણો થયાં. રામસુંદરને ફૂલના હારોથી ઢાંકી દીધા. સ્વયંસેવકોએ તેમને તેમના માનમાં મિજબાની આપી, અને સેંકડો હિંદીઓ, આપણે