આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ અને આવા વિચારો લખાવતાં મને જેટલો વખત લાગે છે તેના સોમા ભાગનો વખત પણ આવતાં નહીં લાગેલો. એ વિચારો આવ્યા તેવો જ હું શરમાયો. આ કેટલું બધું મિથ્યાભિમાન ! હું તો જેલને મહેલ ગણાવનારો ! ખૂની કાયદાની સામે થતાં જે સહન કરવું પડે તે દુ:ખ નહીં પણ સુખ ગણાવું જોઈએ, તેની સામે થતાં જાનમાલ વગેરેનું અર્પણ કરવું એ તો સત્યાગ્રહમાં વિલાસ ગણાવો જોઈએ, એ બધું જ્ઞાન આજે કયાં ચાલ્યું ગયું ? એ વિચાર આવતાંની સાથે જ હું અક્કડ બની ગયો અને મારી મૂર્ખાઈ તરફ હસવા લાગ્યો. બીજા ભાઈઓને કેવી કેદ મળશે ? તેઓને પણ મારી સાથે જ રાખશે કે કેમ ? એ બધા વ્યાવહારિક વિચારોમાં પડી ગયો. એ બધી ભાંજગડ કરું છું તેવામાં દરવાજો ખૂલ્યો, પોલીસ અમલદારે મને તેની પાછળ જવા ફરમાવ્યું. હું ચાલ્યો પછી મને આગળ કર્યો, તે પાછળ ચાલ્યો અને મને જેલની પીંજરગાડી આગળ લઈ ગયો અને તેમાં બેસી જવાનું કહ્યું. મને જોહાનિસબર્ગની જેલ તરફ હાંકી ગયા.


અમારે કોઈને કાંઈ બચાવ કરવાનો હતો જ નહીં. કાયદા પ્રમાણે અમે પરવાના નથી મેળવ્યા ને તેથી દર્શાવેલી મુદતમાં ટ્રાન્સવાલની હદ છોડવી, એ મૅજિસ્ટ્રેટના હુકમનો સવિનય અનાદર કર્યાનો ગુનો સૌ કબૂલ કરવાના હતા.

મેં કોર્ટ પાસે ટૂંકો એકરાર કરવા રજા માગી, તે મળી. મેં આ પ્રમાણેના ભાવાર્થનું કહ્યું : મારા અને મારા પછીના કેસોમાં ભેદ પાડવો જોઈએ. હમણાં પ્રિટોરિયાથી મને ખબર મળ્યા કે, ત્યાં મારા દેશબાંધવોને ત્રણ માસની સખત મજૂરીની કેદની સજા અને ભારે દંડ, અને તે ન ભરે તો બીજી સખત મજૂરીની ત્રણ માસની કેદ,– આમ સજા કરવામાં આવી છે. એમણે જો ગુનો કર્યો છે તો મેં તેથી મોટો ગુનો કર્યો છે. તેથી મૅજિસ્ટ્રેટ મને ભારેમાં ભારે સજા ફરમાવે એ મેં માગ્યું.

"પરંતુ, મૅજિસ્ટ્રેટે મારું કહેવું ધ્યાનમાં ન લીધું ને બે માસની આસાન કેદની સજા કરી."