આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેલમાં લઈ ગયા ત્યાં મારાં કપડાં ઉતરાવ્યાં. મને ખબર હતી કે જેલમાં કેદીઓને નગ્ન કરવામાં આવે છે. બધાનો નિશ્ચય હતો કે, જેલના ધારાઓ જયાં સુધી વ્યક્તિગત અપમાન કરનારા ન હોય અથવા ધર્મવિરુદ્ધ ન હોય ત્યાં સુધી તેને ઇરાદાપૂર્વક માન આપવાનું છે, એવો અમે સત્યાગ્રહીનો ધર્મ માન્યો હતો. જે કપડાં પહરવાને મળ્યાં તે બહુ મેલાં હતાં. એ પહેરવાં તો જરાયે ન ગમ્યાં. એ પહેરતાં અને મનને વાળતાં દુ:ખ થયું, પણ મેલની કેટલીક બરદાસ કરવી પડશે એમ સમજી મન ઉપર અંકુશ રાખ્યો. નામઠામ નોંધી મને એક વિશાળ ઓરડીમાં લઈ ગયા. થોડો વખત ત્યાં રહ્યો તેટલામાં મારા સાથીઓ પણ હસતાબોલતા આવી પહોંચ્યા અને મારી પાછળ તેઓનો કેસ કેવી રીતે ચાલ્યો અને શું થયું એ તેઓએ કહી સંભળાવ્યું. મારો કેસ થઈ ગયા પછી લોકોએ કાળા વાવટા હાથમાં ઝાલીને સરઘસ કાઢેલું, કોઈક ઉશ્કેરાયેલા પણ ખરા, પોલીસ વચમાં પડેલી, બેચારને માર પણ પડયો, એટલું જાણી શકયો. અને બધાયને એક જ જેલમાં અને એક જ કોટડીમાં રાખ્યા તેથી અમે બધા ખૂબ રાજી થયા.

છએક વાગ્યા એટલે અમારો દરવાજો બંધ કરવામાં આવ્યો. ત્યાંની જેલની કોટડીના દરવાજામાં સળિયા વગેરે હોતા નથી. છેક ઊંચે દીવાલમાં એક નાનું જાળિયું હવાને સારુ રાખવામાં આવે છે. એટલે અમે તો તિજોરીમાં પુરાયા એવું લાગ્યું, વાંચનાર જોશે કે જે આદરસત્કાર જેલઅધિકારીઓએ રામસુંદરનો કર્યો હતો તેવો કંઈ અમારો ન કર્યો. એમાં નવાઈ પણ ન હોય. રામસુંદર એ પહેલા સત્યાગ્રહી કેદી. એથી સત્તાધિકારીઓને પૂરું ભાન પણ ન હોય કે કઈ રીતે તેની સાથે વર્તવું જોઈએ. અમારી તો પહેલેથી જ ઠીક સંખ્યા ગણાય અને બીજાઓને પકડવાનો ઈરાદો તો હતો જ, તેથી અમને હબસી જેલખાનામાં રાખવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકામાં વિભાગ જ બે હોય છે : ગોરા અને કાળા (હબસી), અને હિંદી કેદીની ગણતરી પણ હબસી વિભાગમાં જ થાય છે. મારા સાથીઓને પણ મારા જેટલી જ અને સાદી જેલ હતી. સવાર પડયું એટલે અમને માલૂમ પડ્યું કે સાદી કેદવાળાને પોતાનો પોશાક પહેરી રાખવાનો હક હોય