આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેલ મળવા માંડી. આજ પણ મને લાગે છે કે કોમનું અનુમાન ખરું હતું. કારણ કે પ્રથમના કેસોમાં જે સાદી જેલ અપાઈ ત્યારે પછી એ જ વખતની લડતમાં અને પછી વખતોવખત લડત જાગી તેમાં, કોઈ પણ વખતે, પુરૂષોને કે સ્ત્રીઓને પણ સાદી જેલ ટ્રાન્સવાલની કે નાતાલની એક પણ કોર્ટમાં આપવામાં આવી નથી. જ્યાં સુધી બધાને એક જ પ્રકારની સૂચના કે હુકમ ન હોય ત્યાં સુધી દરેક મૅજિસ્ટ્રેટ દરેક વેળાએ દરેક પુરૂષને અને સ્ત્રીને મજૂરીવાળી જ સજા આપે એ જો કેવળ આકસ્મિક સંયોગ હોય તો લગભગ ચમત્કાર ગણાય.

આ જેલમાં સાદી જેલના કેદીઓને ખોરાકમાં સવારે મકાઈના લોટની રાબડી મળે તેની અંદર મીઠું ન હોય, પણ દરેક કેદીને થોડું નિમક આપવામાં આવે. બપોરે બાર વાગ્યે પાશેર ભાત, ઉપરથી મીઠું અને અધોળ ઘી, અને પાશેર ડબલરોટી. સાંજે મકાઈના અાટાની રાબ અને તેની સાથે થોડું શાક, અને તે મુખ્યત્વે કરીને બટાટા. તે નાના હોય તો બે ને મોટો હોય તો એક. આ ખોરાકથી કોઈનું પેટ નહીં ભરાતું. ચાવલ ચીકણા રંધાતા. ત્યાંના દાકતરની પાસે કંઈક મસાલાની માગણી કરી. હિંદની જેલોમાં પણ મળે છે એમ સૂચવ્યું, "અહીં હિંદુસ્તાન નથી અને કેદીને સ્વાદ હોય નહીં એટલે મસાલો પણ હોય નહીં" અામ કડક જવાબ મળ્યો. દાળની માગણી કરી, કેમ કે મજકૂર ખોરાકમાં સ્નાયુ બાંધી શકે તેવો ગુણ નથી હોતો; ત્યારે દાક્તરે કહ્યું કે, "કેદીઓએ દાકતરી દલીલ કરવી નહીં જોઈએ. સ્નાયુબંધક ખોરાક આપવામાં આવે છે, કેમ કે અઠવાડિયામાં બે વખત મકાઈને બદલે સાંજે બાફેલા વાલ આપવામાં આવે છે." અને જે માણસની હોજરી એમ અઠવાડિયામાં અથવા પખવાડિયામાં જુદા જુદા ગુણવાળા ખોરાક જુદે જુદે વખતે એકસાથે લઈને તેમાં રહેલાં સત્ત્વો ખેંચી લઈ શકે તો દાકતરની દલીલ બરોબર હતી. વાત એ હતી કે દાકતરનો ઇરાદો અમને કોઈ રીતે અનુકૂળ થવાનો હતો જ નહીં. અમારો ખોરાક અમે પોતે રાંધીએ એ માગણી સુપરિન્ટેન્ડેન્ટે કબૂલ રાખી. રસોઇયા તરીકે અમે થંબી નાયડુને ચૂંટી કાઢયા. રસોડામાં તેને ઘણાયે ઝઘડા કરવા