આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડતા. શાકનું વજન ઓછું મળે તો પૂરું માગે, તેમ જ બીજી વસ્તુઓનું. માત્ર બપોરનું રાંધવાનું જ અમારે હસ્તક આવ્યું હતું. રાંધવાનું અમારે હસ્તક આવ્યા પછી ખોરાક કાંઈક સંતોષથી ખાવા લાગયા.

પણ એવી સગવડો મેળવી શકાય કે ન મેળવી શકાય, છતાં સુખેથી જેલ ભોગવવી છે એ નિશ્ચયમાં આ મંડળીમાંથી કોઈ ડગ્યું ન હતું. વધતાં વધતાં સત્યાગ્રહી કેદીની સંખ્યા ૧પ૦ ઉપર ગઈ હતી. સાદી કેદવાળા રહ્યા એટલે પોતાની કોટડી વગેરે સાફ રાખવા સિવાયનું અમને કંઈ કામ ન હતું. અમે કામની માગણી કરી. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, "જો હું તમને કામ આપું તો મેં ગુનો કર્યો ગણાય, તેથી હું લાચાર છું. સાફસૂફ કરવામાં તમારી મરજીમાં આવે તેટલો વખત તમે ગાળી શકો છો." ડ્રિલ વગેરે કસરતની માગણી કરી, કેમ કે અમે જોતા હતા કે મજૂરીવાળા હબસી કેદીઓને પણ ડ્રિલ આપવામાં આવતી હતી. "તમારા રખેવાળ(વૉર્ડર)ને વખત મળે અને એ તમને કસરત કરાવે તો હું વિરોધ નહીં કરું, તેમ હું તેને ફરજ પણ ના પાડું. તેને કામ ઘણું હોય છે અને તે તમારી અણધારેલી સંખ્યા આવવાથી વધ્યું છે," આવો જવાબ મળ્યો ! રખેવાળ બહુ ભલો માણસ હતો. તેને તો એટલી પરવાનગી જ જોઈતી હતી. તેણે રસપૂર્વક હંમેશાં સવારના ડ્રિલ આપવાનું શરૂ કર્યું. એ બધું અમારી કોટડીના નાના સરખા આંગણામાં જ થઈ શકે એમ હતું, તેથી અમારે તો ફૂદડી ફરવાનું જ રહ્યું. એ ભલો રખેવાળ શીખવી જાય તે પ્રમાણે એક પઠાણ ભાઈ નવાબખાન ડ્રિલ શરૂ રાખતા અને ડ્રિલના અંગ્રેજી શબ્દોનો ઉર્દૂ ઉચ્ચાર કરી અમને હસાવી મૂકતા. "સ્ટૅન્ડ ઍટ ઇઝ”ને તે 'ટડલીસ' કહેતા ! થોડા દિવસ તો એ ક્યો હિંદુસ્તાની શબ્દ હશે તે અમે સમજી જ ન શકયા. પાછળથી બંધ બેઠું કે આ તો નવાબખાની અંગ્રેજી છે !