આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ર૧. પહેલી સમાધાની

આ પ્રમાણે જેલમાં એક પખવાડિયું ગયું હશે તેટલામાં નવા આવનારાઓ ખબર લાવવા લાગ્યા કે સરકારની સાથે સુલેહ કરવાની કંઈ મસલત ચાલી રહેલી છે. બેત્રણ દિવસ બાદ જેહાનિસબર્ગના 'ટ્રાન્સવાલ લીડર' નામના દૈનિકના અધિપતિ આલ્બર્ટ કાર્ટરાઈટ મને મળવા આવ્યા. જોહાનિસબર્ગનાં બધાં દૈનિક, જે તે વખતે ચાલતાં હતાં, તેની માલિકી સોનાની ખાણવાળા કોઈ ને કોઈ ગોરાના હાથમાં હતી. તેઓના ખાસ સ્વાર્થનો વિષય ન હોય તેવી બધી બાબતમાં અધિપતિઓ પોતાનો સ્વતંત્ર વિચાર જાહેર કરી શકતા. આ છાપાંઓના અધિપતિઓ વિદ્વાન અને પ્રખ્યાતિ પામેલામાંથી જ પસંદ કરવામાં આવે છે. જેમ કે, 'સ્ટાર' નામના દૈનિકના અધિપતિ એક વખતે લૉર્ડ મિલ્નરના ખાસ મંત્રી હતા, અને 'સ્ટાર'માંથી 'ટાઈમ્સ'ના અધિપતિ મિ. બકલની જગ્યા લેવા તે વિલાયત ગયા. આલ્બર્ટ કાર્ટરાઈટ બાહોશ હોવા ઉપરાંત અતિશય ઉદાર દિલના હતા. તેમણે ઘણે ભાગે હંમેશાં તેમના અગ્રલેખોમાં પણ હિંદીઓનો પક્ષ લીધેલો. તેમની ને મારી વચ્ચે ગાઢ સ્નેહ બંધાઈ ગયો હતો, અને મારા જેલમાં જવા પછી તે જનરલ સ્મટ્સને મળી આવ્યા હતા. જનરલ સ્મટ્સે તેમની દરમ્યાનગીરી કબૂલ રાખી હતી. કોમના આગેવાનોને પણ તેઓ મળેલા. આગેવાનોએ એક જ જવાબ આપ્યો, "કાયદાની બારીઓની અમને ખબર ન પડે. ગાંધી જેલમાં છે ને અમે કંઈ મસલત કરીએ તે ન બનવા જોગ છે. અમે સમાધાની ઈચ્છીએ છીએ.. પણ અમારા માણસોને જેલમાં રહેવા દઈને જો સરકાર સમાધાની કરવા માગતી હોય તો તમારે ગાંધીને મળવું જોઈએ. તે જે કરશે તે અમે બહાલ રાખીશું." એ ઉપરથી આલ્બર્ટ કાર્ટરાઈટ મને મળવા આવ્યા. સાથે જનરલ સ્મટ્સે ઘડેલો અથવા પસંદ કરેલો સમાધાની વિશેનો કાગળ પણ લઈ આવ્યા. તેની ભાષા ગોળગોળ હતી. તે મને નહીં ગમેલી. છતાં એક ફેરફારની સાથે એ લખાણ ઉપર સહી કરવા હું પોતે તો તૈયાર હતો. પણ મેં જણાવ્યું કે, બહારનાઓની પરવાનગી છતાં, મારી સાથેના જેલીઓનો