આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊભો તો રહેશે જ. દરમ્યાન, આપણે મરજિયાત પરવાના લઈને આપણાં કાંડાં કાપી દેવાં એટલે તો આપણી પાસે એ કાયદાનો વિરોધ કરવાનું જે એક મોટું શસ્ત્ર છે તે આપણે હાથે છોડી દેવું ! આ તો જાણી જોઈને શત્રુના પંજામાં ફસાવા જેવું થયું, ખરી સમાધાની તો એ કહેવાય કે ખૂની કાયદો પહલો રદ કરે અને પછી આપણે મરજિયાત પરવાના કઢાવીએ." મને આ દલીલ ગમી. દલીલ કરનારાઓની તીક્ષણ બુદ્ધિ અને તેઓની હિંમતને સારુ મને અભિમાન આવ્યું અને મેં જોયું કે સત્યાગ્રહીઓ એવા જ હોવા જોઈએ.

એ દલીલના જવાબમાં મેં કહ્યું, "તમારી દલીલ સરસ છે અને વિચારવા જેવી છે. ખૂની કાયદો રદ કર્યા પછી જ આપણે મરજિયાત પરવાના લઈએ, એના જેવું સરસ તો બીજું કંઈ ગણાય જ નહીં. પણ એને હું સમાધાનીનું લક્ષણ ન ગણું, સમાધાનીનો અર્થ જ એ કે જ્યાં સિદ્ધાંતનો ભેદ ન હોય ત્યાં બન્ને પક્ષ પુષ્કળ અાપ-લે કરે ને છૂટ મેલે. અાપણો સિદ્ધાંત એ છે કે, આપણે ખૂની કાયદાને વશ થઈને, તેની રૂએ તો કરવામાં વાંધો ન હોય તેવું કામ પણ ન કરીએ. આ સિદ્ધાંતને આપણે વળગી રહેવાનું છે. સરકારનો સિદ્ધાંત એ છે કે, ખોટી રીતે હિંદીઓ ટ્રાન્સવાલમાં દાખલ ન થાય તે સારુ ઓળખાણની નિશાનીઓવાળા અને જેની અદલાબદલી ન થઈ શકે તેવા પરવાના પુષ્કળ હિંદીઓ કઢાવે, ગોરાઓના વહેમને શમાવે અને તેઓને નિર્ભય કરે. આ સિદ્ધાંતને સરકાર ન છોડે. એ સિદ્ધાંત આપણે આજ લગી આપણી વર્તણૂકથી કબૂલ પણ રાખ્યો છે. એટલે, તેની સામે થવા જેવું આપણને લાગે તોપણ જ્યાં સુધી નવાં કારણો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેની સામે ન લડી શકાય. આપણી લડત એ સિદ્ધાંતને કાપવા સારુ નથી, પણ કાયદાનો કાળો ડામ દૂર કરવા ખાતર છે. એટલે, જે હવે આપણે કોમમાં પ્રગટ થયેલા નવા અને પ્રચંડ બળનો ઉપયોગ કરવા સારુ એક નવો મુદ્દો આગળ કરીએ તો સત્યાગ્રહીના સત્યને ઝાંખપ લાગે. એટલે વાસ્તવિક રીતે તો આ સમાધાની સામે થઈ શકાય એવું નથી.