આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમજાવનારા સ્વયંસેવકો બનશો. અને આપણે ભજવવાનો ભાગ આપણે ભજવી લઈશું ત્યારે જ આ થયેલી જીતનું ફળ આપણે ખરેખરું જોઈ શકીશું."

હું ભાષણ કરી રહ્યો કે તુરત જ એક પઠાણ ભાઈ ઊભા થયા અને સવાલોનો વરસાદ મારી ઉપર વરસાવ્યો: "આ સમાધાનની હેઠળ દશ અાંગળાં આપવાં પડશે ખરાં ?"

"હા અને ના. મારી સલાહ તો એમ જ પડવાની છે કે બધાએ દશ આંગળાં આપવાં. પણ જેને ધર્મનો બાધ હશે અથવા જે તેવાં અાંગળાં આપવામાં સ્વમાન ઘટે છે એમ માનતો હશે તે નહીં આપે તો પણ ચાલશે."

"તમે પોતે શું કરશો ?"

"મેં તો દશ અાંગળાં આપવાનો નિશ્ચય કર્યો છે. હું ન આપું અને બીજાને આપવાની સલાહ આપું એ મારાથી તો ન જ બને."

"તમે દશ અાંગળાંને વિશે ઘણું લખતા હતા. એ તો ગુનેગારોની પાસેથી જ લેવામાં આવે છે ઇત્યાદિ શીખવનાર પણ તમે. આ લડત દશ આંગળાંની છે એવી વાત કહેનાર પણ તમે. એ બધું આજ ક્યાં ગયું?"

"મેં દશ આંગળાં વિશે પહેલાં જે જે લખ્યું છે તેની ઉપર આજે પણ કાયમ છું. દશ આંગળાં હિંદુસ્તાનમાં ગુનેગાર કોમો પાસેથી લેવામાં આવે છે એ વાત હું આજે પણ કહું છું. ખૂની કાયદાની રૂએ દશ આંગળાં તો શું પણ સહી અાપવામાં પણ પાપ છે એમ મેં કહ્યું છે અને આજે પણ કહું છું. દશ આંગળાંની ઉપર મેં બહુ ભાર મૂકયો એ વાત પણ સાચી છે, અને એ ભાર મૂકવામાં પણ મેં ડહાપણ વાપર્યું એમ હું માનું છું. ખૂની કાયદાની ઝીણી બાબતો, જે આપણે આજ સુધી પણ કરતા આવ્યા હોઈએ, તેની ઉપર ભાર દઈને હું કોમને સમજાવું, તેના કરતાં દશ આંગળાં જેવી મોટી અને નવી બાબત ઉપર ભાર દેવો એ સહેલું હતું, અને મેં જોયું કે કોમ એ વાત તુરત સમજી ગઈ.

"પણ આજની સ્થિતિ જુદી છે. જે વસ્તુ ગઈ કાલે ગુનો હતો તે વસ્તુ આજે નવી સ્થિતિમાં ગૃહસ્થાઈ અથવા ખાનદાનીનું