આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કિસ્સા કેટલીક વાર મારે શમાવવા પડતા. તેમાંયે જ્યારે દગાની વાત આવે ત્યારે તો તેઓ પોતાનો ગુસ્સો જીરવી જ ન શકે. ન્યાય મેળવવાને સારુ માર એ જ તેઓની પાસે કાયદો હતો.

પઠાણો આ લડતમાં પૂરો ભાગ લેતા હતા. તેઓમાંના કોઈ કાયદાને વશ થયા ન હતા. તેઓને ભમાવવા એ સહેલું હતું. દશ અાંગળાંની બાબતમાં તેઓને ગેરસમજૂતી થાય એ તદ્દન સમજી શકાય એવી વાત હતી અને એ દ્વારા તેઓને ઉશ્કેરવા એ જરાયે મુશ્કેલ ન હતું. લાંચ લીધી ન હોય તો દશ અાંગળાં આપવાની વાત હું કેમ કરું? આટલું સૂચવવું એ પઠાણોને વહેમમાં નાખવાને સારુ બસ હતું.

વળી એક બીજો પક્ષ પણ ટ્રાન્સવાલમાં મોજૂદ હતો. તે પક્ષ ટ્રાન્સવાલમાં વગર પરવાને છૂપી રીતે આવેલાઓનો અને જેઓ છૂપી રીતે વગર પરવાને અગર ખોટે પરવાને હિંદીઓને દાખલ કરતા હતા તેવાઓનો હતો. અા પક્ષનો સ્વાર્થ સમાધાની ન થાય તેમાં જ રહેલો હતો. લડાઈ ચાલ્યા કરે ત્યાં સુધી કોઈએ પરવાના દેખાડવાના હતા જ નહીં અને તેથી નિર્ભય થઈને આ પક્ષ પોતાનો વ્યાપાર ચલાવ્યા જ કરે અને લડાઈ ચાલુ રહે તે દરમ્યાન આવા માણસો જેલમાં જવામાંથી તો સહેલાઈથી બચી શકે. એટલે લડાઈ લંબાય ત્યાં સુધી આ પક્ષ પોતાને સારુ સુકાળ માને. અામ અા લોકો પણ પઠાણોને સમાધાનીની સામે ઉશ્કેરી શકે. હવે વાંચનાર સમજી શકશે કે પઠાણો એકાએક કેમ ઉશ્કેરાઈ ગયા હતા.

પણ અા મધરાતી કટાક્ષની અસર સભાની ઉપર કંઈ થઈ નહીં. મેં સભાનો મત માગ્યો હતો. પ્રમુખ અને બીજા આગેવાનો મકકમ હતા. આ સંવાદ થઈ રહ્યા પછી પ્રમુખે સમાધાની સમજાવનારું અને તે કબૂલ રાખવાની આવશ્યકતા જણાવનારું ભાષણ કર્યું અને પછી સભાનો મત લીધો. બેચાર પઠાણો જે એ વખતે હાજર હતા તે સિવાય બધાએ એકમતે સમાધાની બહાલી રાખી. અને હું સવારના બે કે ત્રણ વાગ્યે ઘેર પહોંચ્યો. સૂવાનું તો કયાંથી જ મળી શકે ? કારણ કે મારે વહેલા ઊઠી બીજાઓને છોડાવવા જેલ જવાનું હતું. હું સાત વાગ્યે જેલ પર પહોંચી ગયો. સુપરિન્ટેન્ડેન્ટને