આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"માર પડયો ને વધારે પડે તોપણ હું તો એક જ સલાહ આપીશ. તે એ કે, ઘણે ભાગે બધાએ દશ આંગળાં આપવાં. તેમ કરવામાં જેઓને ભારે ધાર્મિક વાંધો હશે તેમને સરકાર છૂટ આપશે. તેમાં જ કોમનું અને ગરીબોનું ભલું તથા રક્ષણ થાય છે.

"જો આપણે ખરા સત્યાગ્રહી હોઈશું તો મારથી કે ભવિષ્યના દગાની બીકથી જરાયે ડરશું નહીં.

"જેઓ દશ આંગળાં બાબત વળગી રહ્યા છે તેમને હું અજ્ઞાન સમજું છું.

"હું ખુદાની અાગળ માગું છું કે કોમનું ભલું કરે, તેને સત્યને રસ્તે ચડાવે, અને હિંદુ તથા મુસલમાનને મારા લોહીના પાટા વડે સાંધે."

મિ. ચમની આવ્યા. દુઃખેસુખે ને જેવાંતેવાં પણ મારાં આંગળાં મેં અાપ્યાં. એ વખતે એમની અાંખમાં મેં પાણી પણ જોયાં. એમની સામે તો મારે કડવું લખાણ કરવું પડેલું. પણ પ્રસંગ પડયે માણસનું હૃદય કેવું કોમળ બની શકે છે એનો ચિતાર મારી આગળ ખડો થયો. આ બધો વિધિ પૂરો થતાં ઘણી મિનિટો નહીં ગઈ હોય એમ વાંચનાર કલ્પી લેશે. હું તદ્દન શાંત અને સ્વસ્થ થઈ જાઉં એ મિ. ડોક અને તેમનાં ભલાં પત્ની ઝંખી રહ્યાં હતાં. જખમ પછીની મારી માનસિક પ્રવૃત્તિથી તેમને દુ:ખ થતું હતું. રખેને તેની માઠી અસર મારી તબિયત ઉપર થાય એ તેમને ભય હતો. એટલે સાનો કરીને અને બીજી યુક્તિઓ રચીને તેઓ મારા ખાટલા આગળથી બધાઓને લઈ ગયાં અને મને લખવાની કે કંઈ પણ કરવાની મનાઈ કરી. મેં માગણી કરી (અને તે લખીને જણાવેલી) કે હું તદ્દન શાંત થઈ સૂઈ રહું તે પહેલાં અને તેને સારુ તેમની દીકરી અૉલિવ, જે એ વખતે તદ્દન બાલિકા હતી, તેણે મને મારું પ્રિય અંગ્રેજી ભજન સંભળાવવું. નરસિંહરાવના તેના તરજુમાની મારફતે ઘણા ગુજરાતીઓ એ ભજનનો અર્થ તો જાણે છે. તેની પહલી લીટીઓ નીચે પ્રમાણે છે :

"પ્રેમળ જયોતિ તારો દાખવી"
"મુજ જીવનપંથ ઉજાળ."