આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડોકનું નામ આ ઇતિહાસમાં હવે પછી વાંચનાર ઘણે પ્રસંગે જોશે. પણ ડોક કુટુંબે મારી કરેલી ચાકરીનું વર્ણન આપતાં આટલી ઓળખાણ વાંચનારને આપવાની જરૂર હતી. રાત ને દિવસ કોઈ ને કોઈ તો મારી પાસે હાજર હોય જ, જ્યાં સુધી હું તેમના ઘરમાં રહ્યો ત્યાં સુધી એ ઘર ધર્મશાળા બની ગયું હતું ! હિંદી કોમમાં ફેરિયા વગેરે હોય, એમણે તો મજૂરના જેવાં કપડાં પહેર્યા હોય, મેલાં પણ હોય, જોડા પર શેર ધૂળ પણ હોય. વળી પોતાની ગાંસડ કે ટોપલી પણ સાથે હોય. આવા હિંદીઓથી માંડીને પ્રમુખ જેવા, એમ બંને પંક્તિના હિંદીઓની મિ. ડોકને ઘેર સેર ચાલી હતી. સહુ મારી ખબર કાઢવા અને જ્યારે ડૉક્ટરની રજા મળી ત્યારે મને મળવા આવતા, બધાને એકસરખા માનથી અને ભાવથી પોતાના દીવાનખાનામાં મિ. ડોક બેસાડતા, અને જ્યાં સુધી મારું રહેવાનું ડોક કુટુંબની સાથે રહ્યું ત્યાં સુધી મારી માવજતમાં અને સેંકડો જેવા આવનારના આદરસત્કારમાં તેમનો બધો વખત જતો. રાતના પણ બેત્રણ વખત ચુપચાપ મારી કોટડીમાં ડોક જોઈ તો જાય જ. એમના ઘરમાં મને કોઈ દિવસે એનો ખયાલ ન આવી શકયો કે, આ મારું ઘર નથી અથવા તો મારાં વહાલામાં વહાલાં સગાં હોય તો તેઓ મારી સંભાળ વધારે લે.

વાંચનાર એમ પણ ન માને કે, હિંદી કોમની લડતની આટલી બધી જાહેર રીતે તરફદારી કરવા સારુ અથવા મને પોતાના ઘરમાં સંઘરવા સારુ ડોકને કંઈ જ સહન કરવું પડયું નહોતું. પોતાના પંથના ગોરાઓને અર્થે એઓ એક દેવળ ચલાવતા હતા. તેમની આજીવિકા આ પંથવાળા મારફતે મળતી હતી. આવા લોકો કંઈ બધા ઉદાર દિલના હોય એવું કોઈએ માનવું નહીં. હિંદીઓ પ્રત્યેનો સામાન્ય અણગમો તેઓમાં પણ હતો જ. ડોકે એ વાતની દરકાર જ કરી નહીં. અમારા પરિચયના આરંભમાં જ મેં આ નાજુક વિષય તેમની સાથે ચર્ચેલો. તેમનો જવાબ નોંધવા લાયક છે. તેમણે કહ્યું : "મારા વહાલા મિત્ર ! ઈશુના ધર્મને તું કેવો માને છે ? જે માણસ પોતાના ધર્મને ખાતર શૂળીએ ચડ્યો અને જેનો પ્રેમ જગતના જેટલો વિશાળ હતો તેનો હું અનુયાયી છું. જે ગોરાઓથી