આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજાને ભય ન રહે એટલા સારુ બીજા જમનારાઓ આવ્યા હોય તેમના પહેલાં હું ત્યાં જઈ આવતો. બે દિવસ મને જ્યારે ઉપરાઉપરી જોયો નહીં ત્યારે વેસ્ટ ગભરાયા. તેમણે છાપાંઓમાં જોયેલું કે હું દરદીઓની સારવારમાં રોકાયેલો હતો. ત્રીજે દિવસે સવારના છ વાગ્યે હજુ હું હાથમોં ધોઈ રહ્યો હતો તેટલામાં વેસ્ટે મારી કોટડીનું બારણું ઠોક્યું. મેં બારણું ઉઘાડયું તો વેસ્ટનો હસમુખો ચહેરો જોયો.

તે તરત જ રાજી થઈને બોલી ઊઠયા, "તને જોઈને નિરાંત થઈ. તને ભોજનગૃહમાં ન જોયો તેથી હું ગભરાઈ ગયો હતો. મારાથી તને કંઈ મદદ થઈ શકે એમ હોય તો જરૂર કહેવું."

મેં હસીને જવાબ દીધો, "દરદીની સારવાર ?"

"કેમ નહીં ? જરૂર હું તૈયાર છું."

આટલા વિનોદમાં મારો વિચાર મેં કરી લીધો હતો. મેં કહ્યું, "તમારી પાસેથી મને બીજા જવાબની આશા હોય જ નહીં. પણ તેમાં તો મારી પાસે ઘણા મદદગાર છે. પણ તમારી પાસેથી તો, હું એથી વધારે કઠણ કામ લેવા ઈચ્છું છું. મદનજિત અહીં છે. 'ઈન્ડિયન ઓપીનિયન'નું પ્રેસ નિરાધાર છે. મદનજિતને તો મેં મરકીના કામમાં રોકી જ લીધા છે. તમે ડરબન જાઓ અને સંભાળો તો એ ખરેખરી મદદ છે. તેમાં લલચાવા જેવું તો કંઈ છે જ નહીં. હું તો તમને જૂજ જ રકમ આપી શકું, એટલે મહિનાના દસ પાઉંડ અને જે પ્રેસમાં કંઈ લાભ થાય તો તેમાંથી અધું તમારું."

"એ કામ જરા અટપટું ખરું. મારે ભાગીદારની રજા લેવી પડશે. કેટલીક ઉઘરાણીઓ છે, પણ કંઈ ફિકર નહીં. આજ સાંજ સુધીની છૂટ તું મને આપશે ?"

"હા ! છ વાગ્યે આપણે પાર્કમાં મળીએ.”

"હું જરૂર પહોંચીશ."

તે પ્રમાણે અમે મળ્યા. ભાગીદારની રજા લઈ લીધી. ઉઘરાણીઓ ઉઘરાવવાની મને સોંપી દીધી અને બીજે દિવસે સાંજની ટ્રેનમાં તે રવાના થયા. એક મહિનાની અંદર તેમનો રિપોર્ટ આવ્યો કે, "આ છાપખાનામાં નફો તો છે જ નહીં, ખોટ ઘણી છે. ઉઘરાણી