આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાર વગરની છે, પણ ચોપડા ઢંગધડા વિનાના છે. ઘરાકોનાં પૂરાં નામ નથી, ઠેકાણાં નથી. બીજી અવ્યવસ્થા પણ ઘણી છે. આ હું ફરિયાદરૂપે નથી લખતો. હું નફાને સારુ નથી આવ્યો. એટલે આ લીધેલું કામ હું છોડવાનો નથી એ ચોકકસ માનજે. પણ એટલી નોટિસ હું અત્યારથી આપી દઉં છું કે તારે લાંબા કાળ સુધી ખોટ તો ભર્યે જ જવી જોઈશે."

મદનજિત જોહાનિસબર્ગ આવ્યા હતા, ઘરાકો કરવા અને છાપખાનાની વ્યવસ્થાની મારી સાથે વાતચીત કરવા. હું દર મહિને તેની થોડીઘણી પણ ખોટ ભર્યા કરતો હતો, તેથી મારે તેમાં કેટલે સુધી ઊતરવું પડશે એ જાણવા ઈચ્છતો હતો. વાંચનારને હું જણાવી ગયો છું કે મદનજિતને અારંભ વેળાએ પણ છાપખાનાનો અનુભવ હતો નહીં એટલે, છાપખાનામાં અનુભવી માણસને તેમની સાથે રોકી શકાય તો સારું એમ તો હું વિચાર્યા જ કરતો હતો. દરમ્યાન મરકી આવી અને મદનજિત એવા કામમાં તો બહુ કુશળ અને નિર્ભય માણસ, એટલે તેમને રોકી લીધી. તેથી વેસ્ટનું અણધાર્યું કહેણ મેં ઝીલી લીધું અને મરકી દરમ્યાનના પ્રસંગને સારુ જ નહીં, પણ જાથુને સારુ તેમણે જવું જોઈએ એ મેં સમજાવી દીધું હતું. તેથી ઉપર પ્રમાણેનો તેમનો રિપોર્ટ આવ્યો.

છેવટે છાપું અને છાપખાનું ફિનિકસ ગયાં એ વાંચનાર જાણે છે. વેસ્ટના મહિનાના દસ પાઉંડને બદલે ફિનિકસમાં ત્રણ પાઉન્ડ થયા. આ બધા ફેરફારોમાં તેમની સંપૂર્ણ સંમતિ હતી. પોતાની આજીવિકા કેમ મળશે એનો તો એમને કોઈ દિવસ જરાયે ભય થયો હોય એવું મેં અનુભવ્યું નથી. ધર્મનો અભ્યાસ ન છતાં, અત્યંત ધાર્મિક માણસ તરીકે તેમને હું ઓળખું છું. તે અતિશય સ્વતંત્ર સ્વભાવના માણસ છે. જે વસ્તુ જેવી માને તેવી જ તેને કહી બતાવે. કાળાને કૃષ્ણવર્ણનું ન કહેતાં કાળું જ કહે, તેમની રહેણી અત્યંત સાદી હતી. અમારા પરિચય વખતે તે બ્રહ્મચારી હતા અને હું જાણું છું કે એ બ્રહ્મચર્યનું પાલન કરતા. કેટલાંક વર્ષ પછી તેમણે વિલાયત જઈ પોતાનાં માબાપની યાત્રા કરી, અને ત્યાંથી પરણીને આવ્યા. મારી સલાહથી પોતાની સ્ત્રીને, સાસુને