આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમયે લૉર્ડ મિલ્નરની સામે થઈને ટ્રાન્સવાલમાં પહોંચી હતી. જયારે લૉર્ડ કિચનરે આખા જગતમાં ગવાયેલી અને વખોડાયેલી પોતાની 'કૉન્સેન્ટ્રેશન કૅમ્પ'* ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં જમાવી ત્યારે એ બાઈ એકલી બોઅર ઓરતોમાં ઘૂમતી અને તેઓને મક્કમ રહેવાનું સમજાવતી ને શૂર ચડાવતી. બોઅર લડાઈને વિશે અંગ્રેજી રાજનીતિ કેવળ ખોટી છે એવી પોતાની માન્યતા હોવાથી, મરહૂમ સ્ટેડની માફક તે ઇચ્છતી અને ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના કરતી કે અંગ્રેજોની હાર થાય. આટલી બધી બોઅરની સેવા કર્યા પછી જ્યારે તેણે જાણયું કે, બોઅરો – જે અન્યાયની સામે લડેલા તેઓ જ – હિંદીઓ પ્રત્યે, અજ્ઞાનથી દોરવાઈ જઈને, અન્યાય કરવા તૈયાર થાય છે, ત્યારે તેનાથી તે સહન ન થઈ શકયું. બોઅર પ્રજા તેના પ્રત્યે બહુ માન અને પ્રેમ રાખતી હતી. તેને જનરલ બોથાની સાથે ઘણો નિકટ સંબંધ હતો. તેને ત્યાં એ ઊતરતી. ખૂની કાયદો રદ થવા વિશે બોઅર મંડળોમાં તેનાથી બની શકે એટલું તેણે કહ્યું.

બીજી બાઈ અૉલિવ શ્રાઈનર. આ બાઈને વિશે હું પાંચમા પ્રકરણમાં લખી ગયો છું. એ દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત શ્રાઈનર કુટુંબમાં જન્મેલી વિદુષી બાઈ હતી. શ્રાઈનર નામ એટલું બધું પ્રખ્યાત છે કે જ્યારે તે પરણી ત્યારે તેના ધણીને તે નામ ગ્રહણ કરવું પડયું, કે જેથી અૉલિવનો શ્રાઈનર કુટુંબ સાથેનો સંબંધ દક્ષિણ આફ્રિકાના ગોરાઓમાં અલોપ ન થાય. એ કંઈ તેનું ખોટું સ્વાભિમાન નહોતું. મારો પરિચય તેમની સાથે સરસ હતો એમ હું માનું છું. પણ એ બાઈની સાદાઈ, નમ્રતા, એ એની વિદ્વત્તાના જેવાં જ તેનાં આભૂષણ હતાં. પોતાના હબસી નોકરો અને પોતાની વચ્ચે અંતર છે એમ તેણે કોઈ દિવસ માનેલું નહીં. જયાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં તેનું 'ડ્રીમ્સ' નામનું પુસ્તક આદરપૂર્વક વંચાય છે. એ ગદ્ય છે તે છતાં કાવ્યની પંક્તિમાં મુકાય છે. બીજું તો તેણે ઘણું લખેલું છે. એટલો કલમ ઉપરનો તેનો કાબૂ હોવા છતાં,


* એટલે લડાઈ કરનારા બોઅરોની સ્ત્રીઓને એકઠી કરી કેદમાં રાખવાની

છાવણી.

મો.૦ ક.૦ ગાંધી