આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સત્યને જ જાળવવું એને જો પ્રયાસ ગણીએ તો એ પ્રયાસ ઉપરાંત બીજે કોઈ પણ પ્રયાસ આ ગોરાઓની મદદ લેવાને સારુ કરવામાં આવ્યો ન હતો. લડતના બળથી જ તેઓ આકર્ષાયા હતા.


૨૪. અંતરની વિશેષ મુસીબતો


એકવીસમા પ્રકરણમાં આપણને કંઈક અંતરની મુસીબતોનો ખ્યાલ આવ્યો. હુમલાને વખતે મારું કુટુંબ તો ફિનિક્સમાં વસતું હતું. હુમલાથી તેઓનો જીવ ઊંચો થાય એ સ્વાભાવિક હતું. મને જોવાને ફિનિક્સથી જોહાનિસબર્ગ પૈસા ખરચીને દોડી અવાય એવું તો ન જ બની શકે. એટલે સાજો થયે મારે જ જવાનું રહ્યું હતું. નાતાલ અને ટ્રાન્સવાલ વચ્ચે મારી આવજા તો કામ પ્રસંગે થયા જ કરતી. સમાધાની વિશે નાતાલમાં ખૂબ ગેરસમજૂતી ફેલાઈ હતી, એ મારી જાણ બહાર ન હતું. મારી ઉપર અને બીજાઓની ઉપર કાગળો આવતા, તેથી હું જાણતો; અને ઘણા કટાક્ષ કરનારા કાગળ 'ઈન્ડિયન ઓપીનિયન' ઉપર આવેલા તેનો થોકડો મારી પાસે હતો. જોકે હજી સુધી સત્યાગ્રહ તો ટ્રાન્સવાલના હિંદીઓને જ કરવાનો રહ્યો હતો. તો પણ નાતાલના હિંદીઓની સંમતિ અને લાગણી જાળવવી રહી હતી. ટ્રાન્સવાલના હિંદીઓ ટ્રાન્સવાલ નિમિત્તે આખા દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડત લડી રહ્યા હતા. તેથી નાતાલમાં થયેલી ગેરસમજૂતી દૂર કરવાને સારુ પણ મારે ડરબન જવાની જરૂર હતી. તેથી પહેલો જ પ્રસંગ લઈને હું ત્યાં ગયો.

ડરબનમાં હિંદીઓની જાહેર સભા ભરવામાં આવી. મને કેટલાક મિત્રોએ પહેલેથી જ જણાવી દીધું હતું કે, આ સભામાં મારી ઉપર હુમલો થવાનો છે, અને મારે કાં તો સભામાં જવાનું મુલતવી રાખવું અથવા રક્ષણને સારુ કંઈ ઉપાય લેવા. બેમાંથી એકે વસ્તુ મારાથી થઈ શકે તેમ ન હતી. સેવકને શેઠ બોલાવે અને તે બીકથી ન જાય એટલે તેનો સેવાધર્મ ગયો. અને શેઠની સેવાથી બીએ તે સેવક શાનો ? જાહેર સેવા સેવાની ખાતર કરવી એ ખાંડાની