આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધારે ચાલવા જેવું છે. જાહેર સેવક સ્તુતિ લેવાને તૈયાર થઈ જાય છે, તો નિંદાથી કેમ ભાગી શકે ? તેથી હું તો નીમેલે વખતે બરાબર હાજર થયો. સમાધાની કેમ થઈ એ સમજાવ્યું. સવાલો થયા તેના જવાબ પણ આપ્યા.

આ સભા રાતના આઠેક વાગ્યે થઈ હતી. કામ લગભગ પૂરું થવા આવ્યું હતું તેટલામાં એક પઠાણ પોતાની ડાંગ લઈને માંચડા ઉપર આવ્યો. તે જ વખતે બત્તીઓ ઠરી. હું સમજી ગયો. પ્રમુખ શેઠ દાઉદ મહમદ ટેબલ ઉપર ચડ્યા. લોકોને સમજાવવા લાગ્યા. મને બચાવ કરવાવાળાઓએ ઘેરી લીધો. મેં રક્ષણનાં પગલાં નહોતાં ભર્યા, પણ મેં પાછળથી જોયું કે જેઓને હુમલાની બીક હતી તેઓ તો સજ્જ થઈને આવ્યા હતા. તેમાંથી એક તો પોતાના ખીસામાં રિવૉલ્વર રાખીને આવેલો. અને તેનો એક ખાલી ભડાકો પણ કર્યો. દરમ્યાન પારસી રુસ્તમજી જેમણે હુમલાની તૈયારીઓ જોઈ હતી એઓ વીજળીને વેગે દોડયા અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝેન્ડરને ખબર આપી. તેણે પોતાની પોલીસની એક ટુકડી મોકલાવી. અને પોલીસ, એ ગરબડમાં રસ્તો કરી, મને પોતાની વચ્ચે રાખી, પારસી રુસ્તમજીને ત્યાં લઈ ગઈ.

બીજે દિવસે સવારે પારસી રુસ્તમજીએ ડરબનના પઠાણોને ભેળા કર્યા અને તેમને મારી સામે જે કંઈ ફરિયાદ હોય તે મારી પાસે મૂકવા કહ્યું. તેઓને હું મળ્યો. તેઓને શાંત કરવાની કોશિશ કરી, પણ મને લાગતું નથી કે તેઓને હું શાંત કરી શકયો. વહેમની દવા દલીલથી કે સમજૂતીથી થઈ શકતી નથી. તેઓના મનમાં ઠસી ગયું હતું કે મેં કોમને દગો દીધો છે, અને એ મેલ જ્યાં સુધી તેમના મગજમાંથી ન નીકળે ત્યાં સુધી મારું સમજાવવું નકામું જ હોય.

તે જ દિવસે ફિનિક્સ પહોંચ્યો. જે મિત્રો આગલી રાતે મારું રક્ષણ કરવામાં રોકાયા હતા તેઓએ મને એકલો મૂકવાની સાફ ના પાડી અને પોતે ફિનિક્સમાં પડાવ નાખશે એવું મને સંભળાવી દીધું. મેં કહ્યું, "તમે મારી ના ઉપરવટ થઈને આવવાને ઇચ્છશો તો હું રોકી નહીં શકું; પણ ત્યાં તો જંગલ છે અને ત્યાંના