આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧. ભૂગોળ

આફ્રિકા એ દુનિયાના મોટામાં મોટા ખંડોમાંનો એક છે. હિંદુસ્તાન પણ એક ખંડ જેવડો મુલક ગણાય છે છતાં આફ્રિકામાંથી, કેવળ ક્ષેત્રફળની દષ્ટિએ ચાર અથવા પાંચ હિંદુસ્તાન થાય, તેમાં દક્ષિણ આફ્રિકા એટલે અાફ્રિકાનો છેક દક્ષિણ વિભાગ. હિન્દુસ્તાનની જેમ આફ્રિકા પણ દ્વીપકલ્પ છે. એટલે દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ સમુદ્રથી વીંટળાયેલો છે. આફ્રિકા વિશે સામાન્ય ખ્યાલ એવો રહેલો છે કે ત્યાં વધારેમાં વધારે ગરમી પડે છે, અને એક દષ્ટિએ એ વાત સાચી છે. ભૂમધ્યરેષા આફ્રિકાની વચમાંથી જાય છે અને એ રેષાની આસપાસની ગરમીનો ખ્યાલ હિંદુસ્તાનના રહનારાઓને આવી ન શકે. છેક હિંદુસ્તાનની દક્ષિણે જે ગરમીનો અનુભવ આપણે કરીએ છીએ તે ભૂમધ્યરેષાની પાસેની ગરમીનો થોડો ખ્યાલ આપણને આપે છે. પણ દક્ષિણ આફ્રિકામાં તેમાંનું કંઈ જ નથી, કેમ કે એ ભાગ ભૂમધ્યરેષાથી ઘણો દૂર છે. ત્યાંના ઘણા ભાગની હવા એટલી બધી સુંદર છે અને એવી સમશીતોષ્ણ છે કે ત્યાં યુરોપની કોમો સુખેથી ઘર કરી શકે છે. હિંદુસ્તાનમાં આમ બનવું તેઓને સારુ લગભગ અશકય છે. વળી દક્ષિણ આફ્રિકામાં તિબેટ અથવા કાશ્મીરની જેમ મોટા ઊંચા પ્રદેશો છે, છતાં તિબેટ અથવા કાશમીરની જેમ દસથી ચૌદ હજાર ફૂટ ઊંચા નથી એટલે ત્યાંની હવા સૂકી અને સહન થઈ શકે એવી ઠંડી રહે છે અને તેથી જ દક્ષિણ આફ્રિકાનો કેટલોક પ્રદેશ ક્ષયથી પીડાતા રોગીઓને સારુ અત્યુત્તમ ગણાય છે. તેવા ભાગમાંનો એક ભાગ દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી જોહાનિસબર્ગ છે, જે જમીનના ટુકડા ઉપર જોહાનિસબર્ગ આબાદ થયું છે એ ટુકડો આજથી પચાસ વર્ષ પહેલાં કેવળ વેરાન અને સૂકા ઘાસવાળો જ હતો. પણ જ્યારે ત્યાં સોનાની ખાણોની શોધ થઈ ત્યારે જાદુથી હોય નહીં તેમ ત્યાં ટપોટપ ઘરો બંધાવા માંડ્યાં, અને આજે ત્યાં વિશાળ સુશોભિત બંગલાઓ છે. ત્યાંના ધનિક માણસોએ પોતાને ખર્ચે દક્ષિણ આફ્રિકાના ફળદ્રુપ ભાગોમાંથી અને