આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને તેના સાથીઓના ઘાથી જ મારું શરીર જખમી થવાને બદલે નાશ પામ્યું હોત, અને સાથે એમ પણ ધારો કે કોમ ઇરાદાપૂર્વક નિશ્ચિત અને શાંત રહી હોત, મીરઆલમ પોતાની બુદ્ધિને અનુસરીને બીજું ન જ કરી શકે એમ જાણી તેના પ્રત્યે મિત્રભાવ અને ક્ષમાભાવ રાખ્યો હોત; તો કોમને નુકસાન ન થયું હોત, એટલું જ નહીં, પણ કોમને તેમાંથી અતિશય લાભ થયો હોત, કેમ કે કોમમાં તો ગેરસમજૂતીનો અભાવ હોત, તેથી કોમ બમણા જુસ્સાથી પોતાની પ્રતિજ્ઞાને વળગી રહેત અને પોતાના કર્તવ્યનું પાલન કરત. મને તો કેવળ લાભ થયો હોત. કેમ કે, સત્યાગ્રહીને પોતાના સત્યનો આગ્રહ રાખતાં સત્યાગ્રહના પ્રસંગમાં જ અનાયાસે મોતની ભેટ થાય તેના જેવું મંગલ પરિણામ બીજું તે કલ્પી જ ન શકે.

ઉપરની દલીલો સત્યાગ્રહ જેવી લડતને જ લાગુ પડી શકે છે, કેમ કે તેમાં વેરભાવને સ્થાન જ નથી. અાત્મશક્તિ અથવા સ્વાવલંબન એ જ એક સાધન છે. તેમાં એકે બીજાની સામે જોઈને બેસવાનું નથી રહ્યું. તેમાં કોઈ નેતા નથી, એટલે કોઈ સેવક નથી. અથવા તો સૌ સેવક અને સૌ નેતા છે. તેથી ગમે તેવા પીઢ માણસનું મૃત્યુ એ લડતને હળવી નથી કરતું, એટલું જ નહીં, પણ લડતનો વેગ વધારે છે.

આ સત્યાગ્રહનું શુદ્ધ અને મૂળ સ્વરૂપ છે. અનુભવમાં આપણે એવું જોતા નથી, કેમ કે બધાએ વેરનો ત્યાગ કર્યો હોતો નથી. અનુભવમાં સૌ સત્યાગ્રહનું રહસ્ય સમજતા પણ જોવામાં આવતા નથી અને થોડાનું જોઈને ઘણા તેનું મૂઢ અનુકરણ કરે છે. વળી સામુદાયિક અને સામાજિક સત્યાગ્રહનો ટ્રાન્સવાલનો અખતરો એ, ટૉલ્સટૉયના કહેવા પ્રમાણે તો, પહેલો જ ગણાય. હું પોતે શુદ્ધ સત્યાગ્રહના ઐતિહાસિક દાખલા જાણતો નથી. મારું ઐતિહાસિક જ્ઞાન નજીવું હોવાથી હું આ વિશે નિશ્ચયપૂર્વક અભિપ્રાય નથી બાંધી શકતો. પણ ખરું જોતાં આપણને એવા દાખલાઓની સાથે પણ સંબંધ નથી. સત્યાગ્રહનાં મૂળ તત્ત્વો સ્વીકારો એટલે મેં કહ્યાં એ પરિણામ તેમાં રહેલાં જ છે એમ જોઈ શકાશે. એનો અમલ કરવો એ મુશ્કેલ અથવા અશકય છે એમ દલીલ કરીને આવી અમૂલ્ય