આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે ખરડો બહાર પાડયો તે વડે ખૂની કાયદો બહાલ રાખ્યો અને મરજિયાત પરવાના કાયદેસર ગણ્યા પણ તે પરવાનાવાળાને ખૂની કાયદો લાગુ ન પાડી શકાય એમ તેના ખરડાની અંદર તેણે કલમ નાખી. આનો અર્થ એમ થયો કે એક જ હેતુવાળા બે કાયદા સાથે સાથે ચાલે અને નવા આવનાર હિંદીઓને અથવા નવા પરવાના કઢાવનાર હિંદીઓને પણ ખૂની કાયદાની નીચે આવવું જોઈએ.

આ બિલ વાંચી હું તો દિગ્મૂઢ જ બની ગયો. કોમને હું શો જવાબ આપીશ ? જે પઠાણ ભાઈએ પેલી મધરાતની સભામાં મારી ઉપર સખત આક્ષેપો કર્યા હતા તેને કેવો સુંદર ખોરાક મળ્યો ? પણ મારે કહેવું જોઈએ કે સત્યાગ્રહ ઉપરનો મારો વિશ્વાસ આ અાંચકાથી મોળો ન પડતાં વધારે તીવ્ર થયો. અમારી કમિટીની સભા ભરી તેઓને સમજાવ્યા. કેટલાકે મને ટોણો પણ માર્યો, “અમે તો તમને કહેતા આવ્યા છીએ કે તમે બહુ ભોળા છો. જે કંઈ કોઈ કહે તે માની બેસો છો. તમે જો તમારા ખાનગી કામમાં જ ભોળપણ રાખતા હો તો તો બળવ્યું. પણ કોમી કામમાંયે એ ભોળપણ વાપરો છો તેથી કોમને ખમવું પડે છે. હવે પહેલાંનો જુસ્સો પાછો આવવો એ અમને તો બહુ મુશ્કેલ લાગે છે. આપણી કોમને તમે કયાં નથી જાણતા ? એ તો સોડાવૉટરની બૉટલ છે. ઘડીમાં ઊભરો આવે તેનો ઉપયોગ થાય એટલો લેવો રહ્યો. એ ઊભરો શમ્યો એટલે ખલાસ." આ શબ્દબાણમાં ઝેર ન હતું. એવા પ્રકારનું બીજે પ્રસંગે પણ મેં સાંભળેલું હતું. મેં હસીને જવાબ આપ્યો, "જેને તમે મારું ભોળપણ કહો છો એ તો મારી સાથે જડાઈ ગયેલી વસ્તુ છે.. એ ભોળપણ નથી પણ વિશ્વાસ છે, અને વિશ્વાસ રાખવો એ તો મારોતમારો સૌનો ધર્મ સમજું છું. છતાં એને જે આપણે ખોડ ગણીએ તોપણ મારી સેવાથી કંઈ ફાયદો થતો હોય તો મારી ખોડનું નુકસાન પણ સહન થવું જોઈએ. વળી, તમે માનો છો તેમ હું એમ પણ નથી માનતો કે, કોમનો જુસ્સો એ સોડાવૉટરના ઊભરા જેવો છે. કામમાં તમે અને હું પણ છીએ. મારા જુસ્સાને તમે એવું વિશેષણ આપો તો હું જરૂર અપમાન માનું અને મારી ખાતરી છે કે તમે પણ તમને પોતાને અપવાદરૂપે