આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યુરોપમાંથી પણ એક એક ઝાડના પંદર પંદર રૂપિયા ખચીને ઝાડો મંગાવી ત્યાં વાવ્યાં છે. પાછળનો ઈતિહાસ નહીં જાણનાર મુસાફરને આજે એમ જ લાગે કે ત્યાં એ ઝાડ જમાનાઓ થયાં હોવાં જોઈએ.

દક્ષિણ આફ્રિકાના બધા વિભાગો અહીંયાં આપવા હું ધારતો નથી, પણ જે વિભાગોને આપણા વિષયની સાથે સંબંધ છે તેનું જ કંઈક વર્ણન આપું છું. દક્ષિણ આફ્રિકામાં બે હકૂમત છે : ૧. બ્રિટિશ અને ર. પોર્ટુગીઝ પોર્ટુગીઝ ભાગ ડેલાગોઆ બે કહેવાય છે, અને તે હિંદુસ્તાનથી જતાં દક્ષિણ આફ્રિકાનું પહેલું બંદર ગણાય. ત્યાંથી નીચે ઊતરીએ એટલે નાતાલ, પહેલું બ્રિટિશ સંસ્થાન આવે છે. તેનું બંદર પોર્ટ નાતાલ કહેવાય છે, પણ આપણે તેને ડરબનને નામે ઓળખીએ છીએ અને દક્ષિણ આફ્રિકામાં પણ તે સામાન્ય રીતે એ જ નામે ઓળખાય છે. નાતાલનું એ મોટામાં મોટું શહેર છે. નાતાલની રાજધાની પીટરમારિત્સબર્ગને નામે ઓળખાય છે અને તે ડરબનથી અંદર જતાં લગભગ સાઠ માઈલને અંતરે સમુદ્રસપાટીથી આશરે બે હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડરબનનાં હવાપાણી કંઈક મુંબઈને મળતાં ગણાય. મુંબઈના કરતાં ત્યાંની હવામાં ઠંડક કંઈક વધારે ખરી. નાતાલને છોડીને અંદર જતાં ટ્રાન્સવાલ આવે છે, જેની જમીન આજે દુનિયાને વધારેમાં વધારે સોનું અાપે છે. ત્યાં થોડાં વરસ પહેલાં હીરાની ખાણો પણ મળી આવી જેમાંથી પૃથ્વીનો મોટામાં મોટો હીરો[૧] નીકળ્યો. કોહિનૂર કરતાં મોટો હીરો રશિયાની પાસે ગણાય છે. તેનું નામ ખાણના માલિકના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને તે કલિનન હીરો કહેવાય છે. પણ જોહાનિસબર્ગ સુવર્ણપુરી હોવા છતાં અને હીરાની ખાણો પણ તેની પાસે જ હોવા છતાં એ ટ્રાન્સવાલની રાજધાની નથી. ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયા છે. એ જોહાનિસબર્ગથી છત્રીસ માઈલ

  1. 'કલિનન” હીરાનું વજન ૩૦૦૦ કેરેટ, એટલે ૧૫/૩ એવોપોઈઝ પાઉડ છે, જ્યારે કોહિનૂરનું હાલ લગભગ ૧૦૦ કેરેટ, અને રશિયાના તાજના હીરા 'ઓલેફ”નું લગભગ ર૦૦ કેરેટ વજન છે.