આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરા વેપારીઓ સમસમી રહ્યા, અને હમેશાંને સારુ શાંત થઈ ગયા. એક વરસની અંદર કાછલિયા શેઠના માલમાંથી ગોરાઓને સોએ સો ટકા મળી ગયા. નાદારીમાં લેણદારોને સો ટકા મળ્યાનો મારી જાણમાં તો દક્ષિણ આફ્રિકામાં આ પહેલો અનુભવ હતો. આથી લડાઈ ચાલતી હતી તે છતાં કાછલિયાનું માન ગોરા વેપારીઓમાં પણ અતિશય વધી ગયું, અને તે જ વેપારીઓએ લડાઈ ચાલતી હતી તે છતાં કાછલિયાને જોઈએ તેટલો માલ ધીરવા તૈયારી દેખાડી, પણ કાછલિયાનું બળ તો દિવસે દિવસે વધતું જતું હતું. લડતનું રહસ્ય પણ તેઓ સમજી જ ગયેલા. લડત કેટલી લાંબી ચાલશે એ પાછળથી તો કોઈ કહી શકે એવું હતું જ નહીં. તેથી નાદારી પછી અમે નિશ્ચય કરી લીધો હતો કે લડત ચાલતાં સુધી લાંબા વેપારમાં પડવું જ નહીં. એક ગરીબ માણસ પોતાનું ખર્ચ ચલાવી શકે એટલું પેદા કરવા જેગી જ પ્રવૃત્તિ રાખીને બાકી વેપાર લડાઈ દરમ્યાન ન જ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. તેથી ગોરાઓએ આપેલી સગવડનો તેમણે ઉપયોગ ન જ કર્યો. વાંચનાર સમજશે કે કાછલિયા શેઠના જીવનના જે બનાવોનું વર્ણન હું આપી ગયો છું તે બધા કંઈ આ પ્રકરણમાં વર્ણવેલી કમિટીની મીટિંગ પછી બન્યા એમ નથી. પણ એ વર્ણન એક જ વખતે આપી દેવું એ યોગ્ય ધારી તેને અહીં જગ્યા આપેલી છે. તારીખ-વાર જોતાં બીજી લડત શરૂ થઈ ત્યાર પછી કેટલેક કાળે કાછલિયા પ્રમુખ થયા, અને ત્યાર બાદ નાદાર ઠરતા પહેલાં કેટલોક કાળ વહી ગયો.

હવે આપણે કમિટીની મીટિંગના પરિણામ ઉપર આવીએ. એ મીટિંગ પછી જનરલ સ્મટ્સને મેં કાગળ લખ્યો કે નવો ખરડો એ સમાધાનીનો ભંગ છે. મારા કાગળમાં સમાધાની પછી એક અઠવાડિયાની અંદર તેણે ભાષણ કર્યું હતું તે તરફ પણ તેનું ધ્યાન ખેંચ્યું તે ભાષણમાં તેણે આ શબ્દો વાપર્યા હતા : “આ લોકો (એશિયાવાસી) એશિયાટિક કાયદો રદ કરવાનું મને કહે છે. જ્યાં સુધી તેઓએ મરજિયાત પરવાના કઢાવી નથી લીધા ત્યાં સુધી તે કાયદો રદ કરવાની મેં ના પાડી છે.” પોતાને ગૂંચવણમાં લાવી