આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂકે એવી વસ્તુના અમલદાર વર્ગ જવાબ આપતા નથી. અને આપે છે તો તે ગોળગોળ હોય છે. જનરલ સ્મટ્સે આ કળાને સંપૂર્ણ રીતે ખીલવી હતી. તેને ગમે તેટલું લખો, ગમે તેટલાં ભાષણ કરો, પણ જ્યારે જવાબ આપવાની તેની ઈચ્છા ન હોય ત્યારે તેની પાસેથી જવાબ કઢાવી જ શકાય નહીં. તેને મળેલા કાગળોનો જવાબ આપવો જ જોઈએ એ સામાન્ય વિનય તેને બંધન કરનાર ન હતો. એટલે મારા કાગળોના જવાબમાં મને કશોય સંતોષ ન મળી શકયો.

અમારા મધ્યસ્થ આલ્બર્ટ કાર્ટરાઈટને હું મળ્યો. તેઓ થીજી ગયા અને મને કહ્યું : "ખરેખર, હું આ માણસને સમજી જ નથી શકતો. એશિયાટિક કાયદો રદ કરવાની વાત મને બરોબર યાદ છે. મારાથી બનતું હું કરીશ. પણ તું જાણે છે કે એ માણસે એક નિશ્ચય કર્યો હોય પછી એની પાસે કોઈનું ચાલતું નથી. અખબારોનાં લખાણ તો તેની ગણતરીમાં જ નથી. એટલે મને પૂરો ભય છે કે મારી મદદ તમને ઉપયોગમાં નહીં આવી શકે." હૉસ્કિન વગેરેને પણ મળ્યો. તેણે જનરલ સ્મટ્સને કાગળ લખ્યો. તેને પણ ઘણો જ અસંતોષકારક જવાબ મળ્યો. વિશ્વાસઘાતના મથાળા નીચે મેં 'ઈન્ડિયન ઓપીનિયન'માં લખાણો પણ લખ્યાં, પણ તેથી જનરલ સ્મટ્સને શું ? તત્ત્વવેત્તા અથવા નિષ્ઠુર માણસને વિશે ગમે તેવાં કડવાં વિશેષણ વાપરો તેની તેના ઉપર કંઈ અસર થતી નથી. તે પોતાનું ધારેલું કામ કરવામાં મચેલા રહે છે. હું નથી જાણતો કે જનરલ સ્મટ્સને વિશે બેમાંથી કયા વિશેષણનો ઉપયોગ થઈ શકે. તેની વૃત્તિમાં એક પ્રકારની ફિલસૂફી છે એમ તો મારે કબૂલ કરવું જોઈએ. જે વખતે અમારે પત્રવ્યવહાર ચાલતો હતો અને અખબારોમાં મારાં લખાણ ચાલતાં હતાં તે વખતે તો મેં તેને નિષ્ઠુર જ કલ્પેલા એમ યાદ છે, પણ આ હજુ લડાઈનો પહેલો ભાગ હતો. બીજું જ વર્ષ હતું, અને લડાઈ તો આઠ વર્ષ ચાલી. દરમ્યાન હું તેને ઘણીયે વાર મળેલો. પાછળની અમારી વાતો ઉપરથી મને એમ લાગી આવતું કે જનરલ સ્મટ્સની લુચ્ચાઈને વિશે જે સામાન્ય માન્યતા દક્ષિણ આફ્રિકામાં રહેલી છે તેમાં ફરફાર થવો