આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાર ખાય, તેમાં પણ પોતે તો કલંકિત થાય જ, પણ એવા અવિવેકથી શસ્ત્રને સુધ્ધાં એ દૂષિત કરે.

કમિટીએ જોયું કે હિંદી કોમનો સત્યાગ્રહ ખૂની કાયદાની સામે જ છે. ખૂની કાયદો નાબૂદ થાય તો વસ્તીને લગતા કાયદામાં રહેલું મેં ઉપર બતાવ્યું તે ઝેર પોતાની મેળે નાબૂદ થાય. આમ છતાં જો ખૂની કાયદો તો નાબૂદ થવો જ જોઈતો હતો, તો વસ્તીને લગતા કાયદાને અંગે જુદી ચર્ચા કે હિલચાલની જરૂર નથી એમ સમજી કોમ બેસી રહે તો હિંદીઓની નવી વસ્તીને લાગુ પાડનારા સંપૂર્ણ પ્રતિબંધનો તેણે સ્વીકાર કર્યો ગણાય. અામ તે કાયદાની સામે તો થવું જ રહ્યું. માત્ર તેને સત્યાગ્રહમાં દાખલ કરવો કે નહીં એ જ વિચારવું રહ્યું હતું. કોમે વિચાર્યું કે, સત્યાગ્રહ ચાલતી વખતે જ કોમની ઉપર નવા હુમલા થાય એ હુમલાને પણ સત્યાગ્રહમાં દાખલ કરવાનો તેનો ધર્મ તો રહ્યો જ. અશક્તિને લીધે તેમ ન થઈ શકે એ જુદી વાત. નેતાઓને લાગ્યું કે શક્તિના અભાવનું કે શક્તિની ઊણપનું બહાનું કાઢીને એ ઝેરી કલમને જતી કરાય જ નહીં અને તેને પણ સત્યાગ્રહમાં દાખલ કર્યે જ છૂટકો છે.

તેથી તે વિશે સ્થાનિક સરકાર સાથે પત્રવ્યવહાર ચાલ્યો. તેને લીધે કાયદામાં તો કંઈ ફેરફાર ન થયો, પણ જનરલ સ્મટ્સે તેમાં કોમને – અને ખરું જોતાં તો મને –વગોવવાનું નવું સાધન જોયું. તે જાણતા હતા કે, જેટલા ગોરાઓ જાહેર રીતે કોમને મદદ કરી રહ્યા હતા તેના કરતાં ઘણા વધારેની લાગણી કોમની તરફ ખાનગી રીતે તો હતી જ. એ લાગણી નાબૂદ કરી શકાય તો કરવી એમ તો તેમને સ્વાભાવિકપણે થાય જ. તેથી તેમણે મારા ઉપર નવો મુદ્દો ઊભો કર્યાનો આરોપ મૂકયો અને પોતાની સાથેની વાતચીતમાં તેમ જ લખવામાં પણ અંગ્રેજ સહાયકોને જણાવ્યું કે, "ગાંધીને જેટલો હું ઓળખું તેટલો તમે લોકો નથી ઓળખતા. એને જે તમે એક તસુ આપો તો એ એક હાથ માગે એમ છે. એ બધું હું જાણું છું તેથી જ હું એશિયાટિક ઍકટ રદ નથી કરતો. સત્યાગ્રહ તેણે શરૂ કર્યો ત્યારે નવી વસ્તીની તો કંઈ વાત જ ન હતી. હવે ટ્રાન્સવાલના રક્ષણને ખાતર નવા હિંદીઓને આવતા અટકાવવાનો