આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પારસી રુસ્તમજીની ઓળખ હું કરાવી ગયો છું. કેળવાયેલાઓમાંના ઘણાખરાને વાંચનાર જાણે છે. કંઈ પણ સાહિત્ય પાસે રાખ્યા વિના આ પ્રકરણો હું લખી રહ્યો છું. તેથી નામો રહી ગયાં હશે. તેને સારુ તે તે ભાઈઓ મને માફ કરશે. આ પ્રકરણો નામ અમર રાખવા સારુ નથી લખાતાં, પણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવવા તથા એનો વિજય કેમ થયો, તેમાં કેવાં વિઘ્નો આવે છે અને તેમને કેમ દૂર કરી શકાય, તે બતાવવા લખાય છે. જ્યાં જ્યાં નામો અને નામધારીઓની ઓળખ આપું છું ત્યાં પણ મુદ્દો એ જ છે કે, દક્ષિણ આફ્રિકામાં નિરક્ષર ગણાય એવા માણસોએ કેવાં પરાક્રમ કર્યા. ત્યાં પણ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે કેમ સાથે મળી શક્યા ને કેમ વેપારી, કેળવાયેલા વગેરેએ પોતાની ફરજ બજાવી, એ વાંચનાર જાણી શકે. જ્યાં ગુણીની અોળખ કરાવી છે ત્યાં તેનું નહીં પણ કેવળ તેના ગુણનું સ્તવન કર્યું છે.

આમ જયારે દાઉદ શેઠ પોતાની સત્યાગ્રહી ફોજ લઈને ટ્રાન્સવાલની સરહદ પર પહોંચ્યા ત્યારે સરકાર તૈયાર હતી. આટલા દળને તે ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા દે તો તેની હાંસી થાય, એટલે તેઓને તો પકડ્યે જ છૂટકો. તેઓ પકડાયા, કેસ ચાલ્યો ને વૉકસરસ્ટ સરહદી શહેરની જેલમાં દાખલ થયા. કોમી જુસ્સો વધ્યો. નાતાલથી મદદે આવેલાઓને છોડાવી ન શકે તો છેવટે તેમને સાથ તો ટ્રાન્સવાલના હિંદીઓ દે, આ વિચારથી ટ્રાન્સવાલના હિંદીઓ પણ જેલનો માર્ગ શોધવા લાગ્યા.

તેઓને પકડવાના ઘણાયે રસ્તા હતા. જેમાં રહીશ પરવાના ન બતાવે તો વેપારના પરવાના ન મળે. વેપારના પરવાના વિના વેપાર કરે તો ગુનો ગણાય. નાતાલમાંથી સરહદમાં દાખલ થવું હોય તો પરવાનો બતાવવા જોઈએ. તે ન બતાવે તો પકડાય . પરવાના તો બાળ્યા જ હતા, એટલે રસ્તો સાફ હતો. બંને રસ્તા લીધા. કોઈ વગર પરવાને ફેરી કરવા લાગ્યા ને કોઈ સરહદમાં દાખલ થતાં પરવાના ન બતાવ્યાથી પકડાવા લાગ્યા.

હવે લડત જામી કહેવાય. બધાની કસોટી થવા લાગી. નાતાલથી . બીજા આવ્યા. જોહાનિસબર્ગમાં પણ પકડાપકડી શરૂ થઈ. જેની