આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો છોડી જ દીધી હતી. પણ જેઓને હિંદુસ્તાન મોકલી દેવામાં આવ્યા તેઓમાંના ઘણા તો ગરીબ અને ગભરુ હતા; કેવળ વિશ્વાસથી જ લડતમાં જોડાયા હતા. તેઓની ઉપર આટલો જુલમ થાય એ અસહ્ય લાગ્યું. તેઓને મદદ પણ કઈ રીતે દેવાય તે સમજવું મુશ્કેલ હતું. પૈસા તો થોડા જ હતા. આવી લડતમાં પૈસાની મદદ દેવા જતાં લડત ખોઈ બેસાય; તેમાં લાલચુ માણસો દાખલ થઈ જાય. તેથી પૈસાની લાલચે તો એક પણ માણસને ભેળવવામાં આવતો નહોતો. લાગણીની મદદ દેવી એ ધર્મ હતો.

મેં અનુભવે જોયું છે કે લાગણી, મીઠો બોલ, મીઠી નજર જે કામ સાધે છે તે પૈસો નથી સાધી શકતો. પૈસાના લાલચુને પણ જે લાગણી ન મળે તો તે છેવટે ત્યાગ કરે છે, એથી ઊલટું પ્રેમને વશ રહેલા અનેક સંકટો સહન કરવા તૈયાર રહે છે.

તેથી આ દેશનિકાલીઓને સારુ લાગણી જે કંઈ કરી શકે તે કરવાનો ઠરાવ કર્યો. તેઓને આશ્વાસન આપ્યું કે હિંદુસ્તાનમાં તેઓને સારુ ઘટતો બંદોબસ્ત કરવામાં આવશે. વાંચનારે જાણવું જોઈએ કે આમાંના ઘણા તો ગિરમીટમુક્ત હતા. તેઓને સગાંસાંઈ હિંદુસ્તાનમાં ન મળે. કોઈ તો વળી દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા હોય. બધાને હિંદુસ્તાન પરદેશ જેવો તો ખરો જ. આવા નિરાધાર માણસોને હિંદુસ્તાનને કિનારે ઉતારી મેલીને રઝળતા મૂકવામાં આવે, એ તો ઘાતકીપણું જ ગણાય. તેથી એઓને ખાતરી આપી કે તેઓને સારુ હિંદુસ્તાનમાં બધો બંદોબસ્ત કરવામાં આવશે.

આ બધું કરવા છતાં તેઓની સાથે કોઈ મદદગાર ન હોય ત્યાં લગી તેમને શાંતિ ન જ મળે. આ દેશનિકાલ થનારાઓની પહેલી ટુકડી હતી. સ્ટીમર ઊપડવાને થોડા જ કલાક બાકી હતા. પસંદગી કરવાને વખત ન હતો. સાથીઓમાંના ભાઈ પી. કે. નાયડુ ઉપર મારી નજર પડી. મેં પૂછયું :

'તમે આ ગરીબડા ભાઈઓને વળાવવા હિંદુસ્તાન જશો ?'

'કેમ નહીં ?'

'પણ સ્ટીમર તો હમણાં જ ઊપડશે.'

'ભલે ને ઊપડે.'