આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈએ તે કાયદેસર પગલાં પણ ભર્યા. અપીલો કરી તેમાં પણ જય મળ્યો, ને છેવટે હિંદુસ્તાન લગી દેશપાર કરવાની પ્રથા તો બંધ થઈ.

પણ આની અસર સત્યાગ્રહી લશ્કર ઉપર પડયા વિના ન રહી. હવે જેઓ રહ્યા તે ખાસ લડવૈયા રહ્યા. 'રખેને હિંદુસ્તાન મોકલી દેશે તો' , એ ધાસ્તીનો ત્યાગ બધા ન કરી શકયા.

કૉમનો જુસ્સો ભાંગવાનું ઉપરનું એક જ પગલું સરકારે નહોતું ભર્યું. ગયા પ્રકરણમાં હું જણાવી ગયો છું કે સત્યાગ્રહી કેદીઓની ઉપર દુઃખ પાડવામાં સરકારે મુદ્દલ કસર નહોતી રાખી. તેઓની પાસે પથ્થર ફોડાવવા સુધીનું કામ કરાવતા હતા. આટલેથી બસ ન થયું. પ્રથમ બધા કેદીઓને સાથે રાખતા, હવે તેઓને નોખા રાખવાની નીતિ ગ્રહણ કરી ને દરેક જેલમાં કેદીઓને ખૂબ તાવ્યા. ટ્રાન્સવાલનો શિયાળો બહુ સખત હોય છે. ઠંડી એટલી બધી પડે કે, સવારના કામ કરતાં હાથ ઠંડા થઈને અકડાઈ જાય. તેથી કેદીઓને સારુ શિયાળો કઠણ થઈ પડે. આવી સ્થિતિમાં કેટલાક કેદીઓને એક નાની જેલમાં રાખ્યા – જ્યાં કોઈ તેઓને મળવા પણ ન જઈ શકે. આ ટુકડીમાં નાગાપન કરીને એક નવજુવાન સત્યાગ્રહી હતો. તેણે જેલના નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવી તેટલી મજૂરી કરી. સવારે વહેલો સડકોની પૂરણી ભરવા જતો. તેમાંથી તેને સખત ફેફસાંનો વરમ લાગુ પડ્યો ને છેવટે તેણે પોતાનો વહાલો પ્રાણ આપ્યો. નાગાપનના સાથીઓ કહે છે કે તેણે અંત લગી લડતનું જ સ્તવન કર્યું. જેલ જવાથી તેને પશ્ચાત્તાપ ન થયો. દેશને ખાતર મળેલા મોતની તેણે મિત્રની જેમ ભેટ કરી. અા નાગાપન આપણા ગજ પ્રમાણે માપતાં નિરક્ષર ગણાય. અંગ્રેજી, ઝૂલુ વગેરે ભાષા અનુભવથી બોલી જાણે. અંગ્રેજી જેવું તેવું કદાચ લખતોયે હોય, પણ એને વિદ્વાનની પંક્તિમાં તો ન જ મુકાય. છતાં નાગાપનની ધીરજ, તેની શાંતિ, તેની દેશભક્તિ, તેની મરણાન્ત લગીની દૃઢતાનો વિચાર કરીએ, ત્યારે તેને વિશે કંઈ વધારે ઇચ્છવાપણું રહે ? ભારે વિદ્વાનો ન ભળ્યા છતાં ટ્રાન્સવાલની