આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એવી જગ્યા કયાંથી મળે ? શહેરમાં રહેવા જતાં તો બકરી કાઢતાં ઊંટ પેસવાનો ભય હતો. માસિક ખર્ચ જેટલું કદાચ ભાડું જ આપવું પડે ને કુટુંબોને શહેરમાં સાદાઈથી રહેવામાં મુસીબતો પડે. વળી શહેરમાં એવી જગ્યા તો ન જ મળી શકે કે જ્યાં ઘણાં કુટુંબો ઘેર બેઠે કંઈ ઉપયોગી ધંધો કરી શકે. તેથી શહેરથી બહુ દૂર પણ નહીં, બહુ નજીક પણ નહીં, એવું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ એ સમજી શકાયું. ફિનિક્સ તો હતું જ. ત્યાં 'ઈન્ડિયન ઓપીનિયન' ચાલતું હતું. થોડી ખેતી પણ થતી હતી. સગવડો ઘણી તૈયાર હતી. પણ ફિનિકસ જોહાનિસબર્ગમાંથી ત્રણસો માઈલ દૂર હતું અથવા ત્રીસ કલાકની મુસાફરીનો રસ્તો હતો. એટલે દૂર કુટુંબોને લાવવાં લઈ જવાં વિકટ અને મોંધું કાર્ય હતું. વળી કુટુંબો પોતાનાં ઘરબાર છોડીને એટલે દૂર જવાને તૈયાર ન થાય. થાય તોય એટલે દૂર તેઓને અને જેલીઓ છૂટે ત્યારે તેમને ત્યાં મોકલવાનું વગેરે અશકય જેવું લાગ્યું.

ત્યારે જગ્યા તો ટ્રાન્સવાલમાં જ અને તે પણ જોહાનિસબર્ગની નજદીક હોવી જોઈએ. મિ. કૅલનબૅકની હું ઓળખાણ કરાવી ગયો છું. તેમણે ૧૧૦૦ એકર જમીન વેચાતી લીધી અને તેનો ઉપયોગ સત્યાગ્રહીઓને સારુ આપ્યો. તે જમીનમાં ફળઝાડો હતાં ને એક પાંચસાત માણસ રહી શકે એવું નાનું મકાન હતું. પાણીનો ઝરો હતો. ત્યાંથી સ્ટેશન એક માઈલ જેટલું દૂર હતું, અને જોહાનિસબર્ગ ર૧ માઈલ હતું. આ જ જમીન ઉપર મકાન બાંધવાનો અને કુટુંબ વસાવવાનો નિશ્ચય થયો.


૧૦. ટૉલ્સ્ટોય ફાર્મ – ૨


આ જમીન ૧૧૦૦ એકર હતી ને તેની ટોચે નાની ટેકરી હતી, જ્યાં એક નાનકડું મકાન હતું. ત્યાં ફળઝાડ હતાં. તેમાં નારંગી, ઍપ્રિકોટ, પ્લમ પુષ્કળ ઊગતાં હતાં – એટલાં કે મોસમમાં સત્યાગ્રહીઓ પેટ ભરીને ખાય છતાં બચે. પાણીનો એક નાનો ઝરો હતો. તેમાંથી