આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે ખ્રિસ્તી કે મુસલમાન ભાઈઓ ગોમાંસ પણ માગે તો મારે તેમને તે પૂરું પાડ્યે છૂટકો. હું તેઓને આ સ્થાનમાં આવવાની મનાઈ ન જ કરી શકું.

પણ પ્રેમનો બેલી ઈશ્વર છે જ. મેં તો સરળભાવે ખ્રિસ્તી બહેનોની આગળ મારું સંકટ મૂકયું. મુસલમાન માબાપોએ તો કેવળ નિરામિષ રસોડું ચલાવવાની મને રજા આપી દીધી હતી. બહેનોની સાથે મારે હિસાબ કરવાનો હતો. તેમના ધણી કે પુત્ર તો જેલમાં જ હતા. તેમની સંમતિ મને હતી. તેમની સાથે આવા પ્રસંગો મને ઘણી વેળાં આવેલા કેવળ બહેનોની સાથે આવો નિકટ પ્રસંગ આ પહેલો જ આવ્યો. તેમની પાસે મકાનની અગવડની, પૈસાની અને મારી લાગણીની વાત કરી. સાથે મેં તેમને નિર્ભય કરી કે તેઓ માગશે તો હું ગોમાંસ પણ પૂરું પાડીશ. બહેનોએ પ્રેમભાવથી માંસ ન મંગાવવાનું સ્વીકાર્યું, રસોઈનો કારભાર તેમના હાથમાં સોંપાયો. તેમને મદદ કરવામાં અમારામાંથી એકબે પુરુષો રોકાયા. આમાંનો હું તો એક ખરો જ. મારી હાજરી ઝીણા કંકાસોને દૂર રાખી શકતી હતી. રસોઈ સાદામાં સાદી કરવી એ ઠરાવ થયો. ખાવાના ટંક મુકરર થયા. રસોડું એક જ ઠર્યું. બધા એક પંગતે જ જમે. સૌએ પોતપોતાનાં વાસણ માંજીધોઈને સાફ રાખવાનાં. સામાજિક વાસણો વારાફરતી માંજવાનો ઠરાવ થયો. મારે કહવું જોઈએ કે ટૉલ્સટૉય ફાર્મ લાંબી મુદત સુધી ચાલ્યું છતાં બહેનોએ કે ભાઈઓએ કદી માંસાહારની માગણી ન કરી. શરાબ, તમાકુ વગેરે તો બંધ હતાં જ.

મકાનો બાંધવામાં પણ હાથે થઈ શકે તેટલું કામ કરવું એ અાગ્રહ હતો, એમ હું આગળ લખી ગયો છું. સ્થપતિ તો મિ. કૅલનબૅક હતા જ. તેમણે એક યુરોપના કડિયાને મેળવ્યો. એક ગુજરાતી સુથારે પોતાની મદદ મફત અાપી અને બીજાની મદદ ઓછે દામે આણી આપી. કેવળ મજૂરીનું કામ અમે હાથે જ કર્યું. અમારામાંના જે શરીર વાળવે ચાલાક હતા તેમણે તો હદ વાળી. સુથારનું અર્ધું કામ તો એક વિહારી કરીને સરસ સત્યાગ્રહી હતો તેણે ઉપાડી લીધું. સાફસૂફ રાખવું, શહેરમાં જવું, ત્યાંથી બધો સામાન લાવવો વગેરે કામ સિંહ જેવા થંબી નાયડુએ ઊંચકી લીધું હતું.