આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફાર્મને અમૂલ્ય ખાતર મળતું હતું, જો આપણે મેલાનો સદુપયોગ કરીએ તો લાખો રૂપિયાનું ખાતર બચાવીએ. ને અનેક રોગોમાંથી બચીએ. પાયખાના વિશેની આપણી કુટેવને લીધે આપણે પવિત્ર નદીના કિનારા બગાડીએ છીએ, માખીઓની ઉત્પત્તિ કરીએ છીએ ને નાહીધોઈ સાફ થયા પછી પાછા જે માખી આપણી દોષમય બેદરકારીથી ઉઘાડી મેલેલી વિષ્ટા ઉપર બેઠી છે તે માખીને આપણા શરીરનો સ્પર્શ કરવા દઈએ છીએ. એક નાનકડી સરખી કોદાળી આપણને ઘણી ગંદકીમાંથી બચાવે તેમ છે. ચાલવાને રસ્તે મેલું નાખવું, થૂકવું, નાક સાફ કરવું, એ ઈશ્વર પ્રત્યે તેમ જ મનુષ્યની પ્રત્યે પાપ છે. તેમાં દયાનો અભાવ છે. જે માણસ જંગલમાં રહે તોયે પોતાનું મેલું દાટે નહીં, તે દંડને લાયક છે.

અમારું કામ સત્યાગ્રહી કુટુંબોને ઉદ્યોગી રાખવાનું, પૈસા બચાવવાનું અને છેવટે સ્વાશ્રયી થવાનું હતું, આમ કરી શકીએ તો અમે ગમે તેટલી મુદત લગી ઝૂઝી શકીએ. જોડાનું ખર્ચ તો હતું જ. બંધ જેડાથી ગરમ હવામાં તો નુકસાન જ છે. પસીનો બધો પગ ચૂસે ને નાજુક થાય મોજાની જરૂર તો આપણા જેવી હવામાં ન જ હોય. પણ કાંટા, પથરા વગેરેથી બચવા સારુ કંઈક રક્ષણની આવશ્યકતા અમે માની હતી. તેથી અમે કાંટારખાં એટલે ચંપલ બનાવવાનો ધંધો શીખવાનું ઠરાવ્યું. દક્ષિણ આફ્રિકામાં ટ્રેપિસ્ટ નામના રોમન કૅથલિક પાદરીઓનો મઠ છે ત્યાં આવા ઉદ્યોગો ચાલે છે. તેઓ જર્મન હોય છે. તેમાંના એક મઠમાં મિ. કૅલનબૅક ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમણે મને શીખવ્યું અને બીજા સાથીઓને. આમ કેટલાક જુવાનિયા ચંપલ બનાવતાં શીખી ગયા. અને અમે મિત્રવર્ગને વેચતા પણ થઈ ગયા. મારે કહેવાની જરૂર તો ન જ હોવી જોઈએ કે મારા ઘણા શિષ્યો મારા કરતાં આ કસબમાં ચડી સહેજે ચડી ગયા. બીજું કામ સુથારનું દાખલ કર્યું. એક ગામડું વસાવીને રહ્યા ત્યાં પાટલાથી માંડીને પેટી સુધીની અનેક નાનીમોટી વસ્તુઓ જોઈએ; તે અમે હાથે જ બનાવતા. પેલા પરોપકારી મિસ્ત્રીઓએ તો અમને કેટલાક માસ લગી મદદ દીધી જ હતી. આ કામનું ઉપરીપણું