આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પણ આવી વસ્તુઓ તો ઘણીયે મેં મારી જિંદગીમાં નાખી દીધી છે કે બાળી નાખી છે, એ વસ્તુઓને સંઘરી રાખવાની આવશ્યકતા મને જેમ જેમ ઓછી જણાતી ગઈ અને જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ તેમ મેં આવી વસ્તુઓનો નાશ કર્યો. મને તેનો પશ્ચાત્તાપ નથી. એ વસ્તુઓનો સંગ્રહ મને બોજારૂપ ને બહુ ખરચાળ થઈ પડત. તેને સાચવવાનાં સાધન મારે ઉત્પન્ન કરવાં પડત. એ મારા અપરિગ્રહી આત્માને અસહ્ય થાત.

પણ આ શિક્ષણપ્રયોગ વ્યર્થ ન ગયો. છોકરાંઓમાં કદી અસહિષ્ણુતા નહોતી આવી. એકબીજાના ધર્મ પ્રત્યે ને એકબીજાના રીતરિવાજો પ્રત્યે ઉદારતા શીખ્યા. તેઓ બધા સગા ભાઈની જેમ રહેતાં શીખ્યા. એકબીજાની સેવા શીખ્યા. સભ્યતા શીખ્યા. ઉદ્યમી થયા અને આજ પણ તે બાળકોમાંના જેમની પ્રવૃત્તિની મને કંઈયે ખબર છે તે ઉપરથી હું જાણું છું કે તેઓએ ટૉલ્સ્ટૉય ફાર્મમાં જે મેળવ્યું તે નિરર્થક નથી ગયું. અધૂરો તોપણ એ વિચારમય અને ધાર્મિક પ્રયોગ હતો. અને ટૉલ્સટૉય ફાર્મનાં અત્યંત મીઠાં સ્મરણોમાં આ શિક્ષણના પ્રયોગનાં સમરણો ઓછાં મીઠાં નથી.

પણ તે સ્મરણોને સારુ નવું પ્રકરણ ઘટે છે.


૧૧. ટોલ્સ્ટોય ફાર્મ – ૩

આ પ્રકરણમાં ટૉલ્સ્ટૉય ફાર્મનાં ઘણાં સ્મરણોનો સંગ્રહ હશે. એટલે તે સ્મરણો અસંબદ્ધ લાગશે. તેને સારુ વાંચનાર ક્ષમા બક્ષે.

શિક્ષણ માટે જે વર્ગ મને મળ્યો હતો તેવો ભાગ્યે કોઈને નસીબે આવ્યો હશે. સાતેક વર્ષનાં બાળકો અને બાળિકાઓથી માંડીને વીસ વર્ષના જુવાનિયા ને બારતેર વર્ષની બાળાઓ આ વર્ગમાં હતી. કેટલાક છોકરા જગલી ગણી શકાય તેવા હતા, તોફાન પણ ખૂબ કરે.

આ સંઘને શું શીખવવું? બધા સ્વભાવને કેમ અનુકૂળ થવું? વળી બધા જોડે કઈ ભાષામાં મારે વાતો કરવી ? તામિલ ને તેલુગુ