આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોકરાં કાં તો તેમની માતૃભાષા સમજે અથવા તો અંગ્રેજી. થોડું ડચ પણ જાણે. મારે તો અંગ્રેજીથી જ કામ લેવું રહ્યું હતું. ગુજરાતી જોડે ગુજરાતીમાં અને બાકીના જોડે અંગ્રેજીમાં એમ વિભાગ પાડયા. મુખ્ય ભાગે તેઓને કંઈક રસિક વાતો કહેવી અથવા વાંચી સંભળાવવી એમ ગોઠવણ રાખી. તેઓને એકસાથે બેસતાં, મિત્રભાવ – સેવાભાવ – કેળવતાં કરી મૂકવાં એટલો ઉદ્દેશ રાખ્યો હતો. થોડું ઈતિહાસ-ભૂગોળનું સામાન્ય જ્ઞાન આપવું ને થોડું લખતાં શીખવવું. કેટલાકને અંકગણિત. આમ ગાડું રેડવતો. પ્રાર્થના અર્થે કેટલાંક ભજન શીખવાતાં. તેમાં તામિલ બાળકોને પણ ભળવા લલચાવતો.

બાળકો અને બાળાઓ છૂટથી સાથે બેસતાં. ટૉલ્સ્ટૉય ફાર્મમાં મારો આ પ્રયોગ વધારેમાં વધારે નિર્ભય હતો. જે છૂટ હું ત્યાં આપી તેમ જ કેળવી શકયો હતો તે છૂટ આપવાની કે કેળવવાની મારી હિંમત પણ આજે ન ચાલે, તે વેળા મારું મન આજ છે તેના કરતાં વધારે નિર્દોષ હતું એમ મને લાગ્યા કર્યું છે. આનું કારણ મારું અજ્ઞાન હોઈ શકે. ત્યાર બાદ હું ડંભાયો છું. મને કડવા અનુભવો થયા છે. જેને હું છેક નિર્દોષ સમજતો તે દોષિત નીવડયા છે. મારામાં પણ મેં ઊંડે ઊંડે વિકારો ભાળ્યા છે. તેથી મન રાંક બન્યું છે.

મને મારા પ્રયોગને વિશે પશ્ચાત્તાપ નથી. એ પ્રયોગને લીધે તો કંઈ જ ખરાબી નથી થઈ એમ પણ મારો આત્મા સાક્ષી પૂરે છે. પણ જેમ દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ તેવું મારે વિશે ગણી શકાય.

મનુષ્ય શ્રદ્ધા કે હિંમત બીજા પાસેથી ચોરી નથી શકતો.संश्ययात्मा विनश्यति। ટૉલ્સટૉય ફાર્મમાં મારી હિંમત અને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં, એ શ્રદ્ધા ને હિંમત કરી આપવા હું ઈશ્વરને વીનવી રહ્યો છું. પણ તે સાંભળે ત્યારે ના ! તેની પાસે તો મારા જેવા અસંખ્ય ભિખારીઓ છે. આશ્વાસન માત્ર અ છે ખરું કે જેમ તેને અસંખ્ય ભિખારી છે, તેમ તેને અસંખ્ય કાન પણ છે. એટલે તેના ઉપર મારી શ્રદ્ધા પૂરી છે. જ્યારે હું યોગ્ય બનીશ ત્યારે તે મારી અરજ સાંભળશ અમ પણ હું જાણું છુ.