આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળાઓને વીનવી, તેઓને ભડકાવ્યા વિના સમજાવીને સૂચવ્યું કે તેઓએ પોતાના સુંદર લાંબા વાળ કાપી નાખવાની મને રજા આપવી. ફાર્મ પર હજામત અને વાળ કાપવાનું અમે અરસપરસ કરી લેતા. તેથી સંચાકાતર અમારી પાસે રહેતાં. પ્રથમ તો તે બાળાઓ ન સમજી. મોટી સ્ત્રીઓને સમજાવી મૂકી હતી. તેમનાથી મારી સૂચના સહન તો ન થઈ પણ તેઓ મારો હિતુ સમજી શકી હતી. તેઓની મને મદદ હતી.. છોકરીઓ બંને ભવ્ય હતી. અહો ! એક આજે નથી. તે તેજસ્વિની હતી. બીજી હયાત છે. તે પોતાનો ગૃહસંસાર ચલાવી રહી છે. છેવટે તે બંને સમજી, તે જ ક્ષણે જે હાથ આ પ્રસંગ ચીતરી રહેલ છે તે હાથે આ બાળાઓના વાળ પર કાતર ચલાવી ! ને પછી વર્ગમાં આ કાર્યનું પૃથકકરણ કરી બધાને સમજાવ્યું. પરિણામ સુંદર અાવ્યું. ફરી મેં મશકરીની વાત ન સાંભળી. એ બાળાઓએ કંઈ ખોયું તો નહીં જ. કેટલું મેળવ્યું તે તો દેવ જાણે. યુવકો આજ પણ આ પ્રસંગ યાદ કરતા હશે અને પોતાની દૃષ્ટિને શુદ્ધ રાખતા હશે એમ હું આશા રાખું છું.

આવા પ્રયોગ અનુકરણને સારુ નથી નોંધાતા. કોઈ પણ શિક્ષક આવા પ્રયોગનું અનુકરણ કરે તો તે મોટું જોખમ વહોરે. આ પ્રયોગની નોંધ મનુષ્ય કયાં સુધી અમુક સ્થિતિમાં જઈ શકે છે તે બતાવવા તથા સત્યાગ્રહની લડતની વિશુદ્ધતા સૂચવવા લીધી છે. એ વિશુદ્ધતામાં જ વિજયનું મૂળ હતું. એ પ્રયોગને સારુ શિક્ષકે મા અને બાપ બંને થવું જોઈએ ને પોતાનું માથું કોરે મૂકીને જ તેવા પ્રયોગ થાય. તેની પાછળ કઠણ તપશ્ચર્યા જોઈએ.

આ કાર્યની અસર ફાર્મવાસીની તમામ રહેણીકરણી ઉપર થયા વિના રહી નહીં. ઓછામાં ઓછા ખર્ચથી રહેવું એ હેતુ હોવાથી પોશાકમાં પણ ફેરફાર કર્યો. ત્યાં શહેરોમાં સામાન્ય રીતે આપણા પુરુષવર્ગનો પોશાક યુરોપિયન ઢબનો જ હોય; સત્યાગ્રહીઓનો પણ હતો. ફાર્મ પર એટલાં કપડાંની જરૂર ન હોય. અમે બધા મજૂર બન્યા હતા, તેથી પોશાક રાખ્યો મજૂરનો પણ યુરોપિયન ઢબનો; એટલે કે કેવળ મજૂરિયા પાટલૂન અને મજૂરિયા ખમીસ. આમાં જેલનું અનુકરણ હતું. જાડાં આસમાની કપડાંના સરતાં પાટલૂન ને