આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા અને એકબીજાને પોતાના ધર્મની ક્રિયા કરવામાં મદદ દેતા હતા .

એટલે દૂર રહેતાં છતાં, માંદગીને સારુ સામાન્ય સગવડો રાખવામાં આવે છે તેવી કંઈ જ રાખી ન હતી. એ વેળા બાળકોની નિર્દોષતા વિશે મને જે શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા માંદગીમાં કેવળ કુદરતી ઉપાયો લેવા વિશે પણ હતી. સાદા જીવનને અંગે માંદગી હોય જ શેની, પણ આવશે તો તેને પહોંચી વળાશે એમ લાગતું. મારું આરોગ્યનું પુસ્તક મારા પ્રયોગોની અને મારી તે વેળાની શ્રદ્ધાની નોંધપોથી છે. મારે તો માંદા પડવાપણું જ ન હતું એમ હું અભિમાન રાખતો. કેવળ પાણીના, માટીના કે ઉપવાસના પ્રયોગોથી ને ખોરાકના ફેરફારોથી બધી જાતની માંદગીને પહોંચી વળાય એમ માનતો. અને ફાર્મમાં એક પણ માંદગીના સમયે દવાનો કે દાક્તરનો ઉપયોગ કર્યો જ નહોતો. એક સિત્તેર વર્ષનો બુઢ્ઢો ઉત્તર હિંદુસ્તાનનો હતો તેને દમ અને ખાંસી હતાં, તે પણ કેવળ ખોરાકના ફેરફારથી અને પાણીના પ્રયોગથી મટયાં. પણ એવા પ્રયોગો કરવાની હિંમત હવે હું ખોઈ બેઠો છું અને હું પોતે બે વેળા માંદો પડયા પછી અધિકાર પણ હારી બેઠો છું એમ માનું છું.

ફાર્મ ચાલતું હતું તે જ દરમ્યાન સ્વ. ગોખલે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તે મુસાફરીના વર્ણનને સારુ તો નોખું પ્રકરણ જોઈશે. પણ એક કડવુંમીઠું સ્મરણ છે તે આપી દઉં. અમારું જીવન તો વાંચનારે જાણ્યું. ફાર્મમાં ખાટલા જેવી વસ્તુ ન હતી. પણ ગોખલેજીને સારુ એક માગી આણ્યો. તેમને સંપૂર્ણ એકાંત રહે તેવી કોટડી ન હતી. બેસવાને નિશાળના બાંકડા હતા. આવી સ્થિતિમાંયે નાજુક શરીરવાળા ગોખલેજીને ફાર્મ પર લાવ્યા વિના કેમ ચાલે ? તેમ તેઓ તે જોયા વિના પણ શેના રહે ? મારા મનમાં એમ હતું કે તેમનું શરીર એક રાતની અગવડ સહન કરી શકશે ને તેઓ સ્ટેશનથી ફાર્મ સુધી – દોઢેક માઈલ ચાલી પણ શકશે. મેં પૂછી મૂકયું હતું ને પોતાની સરળતાને લીધે તેમણે વગર વિચાર્યે મારા પર વિશ્વાસ રાખીને બધી વ્યવસ્થા કબૂલ કરી લીધી હતી. ભોગજોગે તે જ દિવસે વરસાદ પણ આવ્યો. મારાથી એકાએક કશો ફેરફાર