આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજે દિવસે સવારે ન આરામ લીધો પોતે, ન દીધો અમને. પોતાનાં ભાષણો જે અમે પુસ્તકરૂપે છાપવાના હતા તે બધાં સુધાર્યા. કંઈક પણ લખવાનું હોય ત્યારે તેમને અાંટા મારી તે વિચારી લેવાની ટેવ હતી. એક નાનો સરખો કાગળ લખવાનો હતો. મેં માન્યું કે તે તો તરત લખી નાખશે, પણ નહીં. મેં ટીકા કરી એટલે મને વ્યાખ્યાન મળ્યું : “મારું જીવન તું શેનો જાણે ? હું નાનામાં નાની વસ્તુ પણ ઉતાવળે નથી કરતો; તેનો વિચાર કરું, તેનું મધ્યબિંદુ વિચારું; વિષયને લગતી ભાષા વિચારું ને પછી લખું. એમ બધા કરે તો કેટલો વખત બચી જાય ? ને પ્રજા પણ આજે તેને જે અધકચરા વિચારો મળી રહ્યા છે તેના મારમાંથી બચે.'

જેમ ગોખલેની મુલાકાતના વર્ણન વિના ટૉલ્સટૉય ફાર્મનાં સ્મરણો અધૂરાં ગણાય તેમ કૅલનબૅકની રહેણીને વિશે કહી શકાય. એ નિર્મળ પુરુષનો પરિચય હું આગળ કરાવી ગયો છું. મિ. કૅલનબૅકનું ટૉલ્સટૉય ફાર્મમાં આપણા લોકોના સમુદાયમાં તેને જેવા જ થઈને રહેવું, એ જ આશ્ચર્યકારક વસ્તુ હતી. ગોખલે સામાન્ય વસ્તુથી આકર્ષાય એવા ન હતા. પણ કૅલનબૅકના જીવનના મહાન પરિવર્તનથી એ પણ અત્યંત આકર્ષાયા હતા. કૅલનબૅકે કોઈ દહાડો ટાઢતડકો સહન કર્યા જ નહોતાં. એક પણ પ્રકારની અગવડ ન ભોગવેલી. એટલે કે સ્વચ્છંદને ધર્મ કરી મૂકયો હતો. દુનિયાના વૈભવ ભોગવવામાં કશી ઊણપ નહોતી રાખી. દ્રવ્ય જે વસ્તુ મેળવી શકે તે વસ્તુ પોતાના સુખને સારુ મેળવવામાં તેણે કદી પાછી પાની ન કરી હતી.

આવા માણસનું ટૉલ્સટૉય ફાર્મમાં રહેવું અને સૂવુંબેસવું, ખાવુંપીવું અને ફાર્મવાસીઓની સાથે ઓતપ્રોત થઈ જવું, એ જેવી તેવી વસ્તુ ન હતી. આપણા લોકોને આનું સાનંદાશ્ચર્ય થયું અને કેટલાક ગોરાઓએ મિ. કૅલનબૅકને 'મૂરખ' અથવા તો દીવાના ગણી મૂકયા. બીજા કેટલાકનું તેની ત્યાગ કરવાની શક્તિને લીધે તેમના પ્રત્યેનું માન વધ્યું. કૅલનબૅકે પોતાના ત્યાગને કદી દુ:ખરૂપ ન માન્યો. જેટલો આનંદ તેમણે પોતાના વૈભવમાંથી મેળવ્યો તેના કરતાં વિશેષ તેમને તેમના ત્યાગમાંથી મળ્યો. સાદાઈના સુખનું વર્ણન કરતાં તે તેમાં