આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓછી થઈ, પણ રાતના દમ અને ખાંસી બન્ને ઊપડે. મને તમાકુ વિશે શક ગયો. મેં તેને પૂછયું. લુટાવને કહ્યું : 'હું નથી પીતો.' એક બે દિવસ ગયા, હજુ ફેર ન પડયો એટલે લુટાવનને છૂપી રીતે તપાસવાનો મેં નિશ્ચય કર્યો. બધા ભોંય પર સૂએ, સર્પાદિનો ભય તો ખરો જ. તેથી મિ. કેલનબેકે મને વીજળીની ચોરબત્તી આપી હતી અને પોતે પણ એ રાખતા. એ મશાલ પાસે રાખીને હું સૂતો. એક રાતે પથારીમાં પડયાં પડયાં જાગવાનો મેં નિશ્ચય કર્યો. દરવાજાની પાસે બહાર ઓસરીમાં મારી પથારી હતી, અને દરવાજાની અંદર પડખે જ લુટાવનની હતી. લુટાવને મધરાતે ખાંસી ખાધી. દીવાસળી સળગાવી બીડી શરૂ કરી. એટલે ધીમેથી હું તેની પથારી પાસે ઊભો અને પેલી બત્તીની ચાંપ દાબી. લુટાવન ગભરાયો, સમજી ગયો, બીડી બંધ કરી બેઠો થયો અને મારા પગ ઝાલ્યા. 'મૈંને બડા ગુના કિયા. અબ મૈં કભી તમાકુ નહીં પીઊંગા. આપકો મૈંને ધોખા દિયા. મુઝકો અાપ માફ કરે.' એમ કહેતાં કહેતાં લુટાવન ગળગળો થયો. મેં આશ્વાસન આપ્યું અને કહ્યું કે બીડી નહીં પીવામાં તેનો સ્વાર્થ હતો. મારી ગણતરી પ્રમાણે ખાંસી મટવી જ જોઈતી હતી તે ન મટી તેથી મને શક ગયો. લુટાવનની બીડી ગઈ અને તેની સાથે બે કે ત્રણ દિવસમાં દમ અને ખાંસી મોળાં પડયાં, અને એક માસની અંદર બન્ને બંધ થયાં. લુટાવનમાં ખૂબ તેજ આવ્યું, અને તેણે વિદાયગીરી માગી.

સ્ટેશનમાસ્તરના દીકરાને – બે વર્ષનો હશે - ટાઈફૉઈડ તાવ હતો. તેને પણ મારા ઉપચારોની ખબર હતી જ. મારી સલાહ માગી. એ બાળકને મેં પહેલે દિવસે તો કાંઈ જ ખાવાનું ન આપ્યું. અને બીજે દિવસથી અડધું કેળું – ખૂબ છુંદેલું, તેમાં એક ચમચી ઑલિવ ઑઈલ અને થોડાં લીંબુનાં ટીપાં; એ સિવાય બીજે બધો ખોરાક બંધ. એ બચ્ચાને પેટે રાત્રે માટીના પાટા બાંધ્યા. એને પણ આરામ થઈ ગયો. એમ હોઈ શકે કે દાક્તરોનું નિદાન ખોટું હતું અને એ તાવ ટાઈફૉઈડ ન હતો.

આવા તો ઘણાયે અખતરા મેં ફાર્મમાં કરેલા. એકેમાં નિષ્ફળતા થઈ એવું સ્મરણ નથી. પણ આજે એ જ ઉપચારો કરવાની મારી