આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશ્વરે મોકલ્યા. નહોતી ધારી એવી મદદ પણ આવી પડી. અને અણધાર્યે કસોટી આવી અને છેવટે દુનિયા સમજી શકે એવો બાહ્ય વિજય પણ થયો.

દક્ષિણ આફ્રિકામાં આવીને હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવા હું ગોખલેને અને બીજા નેતાઓને વીનવી રહ્યો હતો. પણ કોઈ આવશે કે નહીં એ વિશે મને સંપૂર્ણ શંકા હતી. મિ. રિચ કોઈ પણ નેતાને મોકલવાની કોશિશ કરી રહ્યા હતા. પણ જ્યારે લડાઈ છેક મંદ પડી ગઈ હોય તેવે સમયે આવવાની હિંમત કોણ કરે ? સન ૧૯૧૧ની સાલમાં ગોખલે વિલાયતમાં હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની લડતનો અભ્યાસ તો કરેલો જ હતો. વડી ધારાસભાઓમાં ચર્ચાઓ પણ કરી હતી, અને ગિરમીટિયાઓને નાતાલ મોકલવાનું બંધ કરવાનો ઠરાવ પણ ધારાસભામાં લાવ્યા હતા, જે પાર થયો હતો. તેમની સાથે મારો પત્રવ્યવહાર ચાલુ જ હતો. હિંદી વજીરની સાથે તેઓ મસલતો પણ ચલાવી રહ્યા હતા, અને દક્ષિણ આફ્રિકા અાવી અાખા પ્રશ્નનો અભ્યાસ કરવાની વાત હિંદી વજીરને જણાવી હતી. વજીરે તેમનો તે ઈરાદો પસંદ કર્યો હતો. ગોખલેએ છ અઠવાડિયાંના પ્રવાસની યોજના ગોઠવવા મને લખી મોકલ્યું અને દક્ષિણ આફ્રિકા છોડવાની છેલ્લામાં છેલ્લી તારીખ પણ મોકલી. અમારી ખુશાલીનો તો પાર જ ન રહ્યો. કોઈ પણ નેતાએ હજી સુધી દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી નહોતી. દક્ષિણ આફ્રિકાની તો શું પણ હિંદુસ્તાનની બહારના એક પણ સંસ્થાનની મુલાકાત ત્યાં વસતા હિંદીઓની સ્થિતિ તપાસવાના હેતુથી કરી ન હતી. એટલે અમે બધા ગોખલે જેવા મહાન નેતાની મુલાકાતનું મહત્ત્વ સમજી શકયા. બાદશાહને પણ કોઈ દિવસ માન ન અપાયું હોય એવા પ્રકારનું માન ગોખલેને આપવું એવો નિશ્ચય કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાનાં મુખ્ય શહેરોમાં તેમને લઈ જવા એવો ઠરાવ થયો. સત્યાગ્રહીઓ અને બીજા હિંદીઓ સ્વાગતની તૈયારીઓમાં ખુશીથી જોડાયા. આ સ્વાગતમાં ગોરાઓને જોડાવાનું પણ નિમંત્રણ કરવામાં આવ્યું અને લગભગ બધી જગ્યાએ તેઓ જોડાયા. જ્યાં જ્યાં જાહેર સભાઓ થાય ત્યાં ત્યાં તે જગ્યાના મેયર જે કબૂલ કરે તો ઘણે ભાગે તેને જ પ્રમુખસ્થાન આપવું