આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેપટાઉનથી જોહાનિસબર્ગ જવાનું હતું. બે દિવસની રેલવેની મુસાફરી હતી. લડાઈનું કુરુક્ષેત્ર ટ્રાન્સવાલ હતું કેપટાઉનથી આવતાં ટ્રાન્સવાલનું સરહદી મોટું સ્ટેશન ક્લાકર્સડોર્પ આવતું. ત્યાં હિંદીઓની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. તેથી ક્લાકર્સડોર્પમાં તેમ જ જોહાનિસબર્ગ પહોંચતા પહેલાં આવતાં એવાં જ બીજાં શહેરમાં રોકાવાનું અને સભામાં હાજર થવાનું હતું, તેથી ક્લાકર્સડોર્પથી સ્પેશિયલ ટ્રેન કરવામાં આવી હતી. બન્ને જગ્યાએ તે તે ગામના મેયર પ્રમુખ હતા. અને એકે જગ્યાને એક કલાકથી વધારે સમય આપવામાં નહોતો આવ્યો. જેહાનિસબર્ગ ટ્રેન ઠીક વખતસર પહોંચી, એક મિનિટનો પણ ફરક નહોતો પડયો. સ્ટેશન ઉપર ખાસ ગાલીચા વગેરે બિછાવ્યા હતા. એક માંચડો પણ બનાવવામાં આવ્યો હતો. જોહાનિસબર્ગના મેયર અને બીજા ગોરાઓ હાજર હતા. તેમણે ગોખલેને જોહાનિસબર્ગના નિવાસ દરમ્યાન પોતાની મોટર વાપરવા આપી. ગોખલેને માનપત્ર સ્ટેશન ઉપર જ અાપવામાં અાવ્યું હતું. દરેક સ્થળે માનપત્ર તો હતાં જ. જોહાનિસબર્ગનું માનપત્ર દક્ષિણ આફ્રિકાના લાકડા ઉપર જડેલી જોહાનિસબર્ગની ખાણમાંથી નીકળેલા સોનાની હૃદયના આકારની તકતી ઉપર કોતરવામાં આવ્યું હતું, લાકડાની ઉપર હિંદુસ્તાનના કેટલાક દેખાવોનું સુંદર કોતરકામ હતું. ગોખલેની બધાની સાથે ઓળખાણ કરવી, માનપત્ર વંચાવું અને તેનો જવાબ અને બીજાં માનપત્ર લેવાં, એ બધી ક્રિયા વીસ મિનિટની અંદર ઉકેલવામાં આવી હતી. માનપત્ર વાંચતાં પાંચ મિનિટથી વધારે નહીં ગઈ હોય એટલું તે ટૂંકું હતું. ગોખલેનો જવાબ પાંચ મિનિટથી વધારે નહીં જ હોય. સ્વયંસેવકોનો બંદોબસ્ત એટલો બધો સુંદર હતો કે પ્લૅટફૉર્મ ઉપર ધારેલા માણસો કરતાં વધારે નહોતા આવ્યા. ઘોંઘાટ મુદ્દલ નહોતો. બહાર લોકોની ઠઠ હતી. છતાં કોઈને આવજા કરવામાં કશી મુશ્કેલી આવી નહીં.

તેમનું રહેવાનું મિ. કૅલનબૅકની જોહાનિસબર્ગથી પાંચ માઈલ પર એક ટેકરી ઉપર આવેલી સુંદર બંગલીમાં હતું. ત્યાંનો દેખાવ એટલો બધો ભવ્ય હતો, ત્યાંની શાંતિ એટલી આનંદદાયક હતી અને બંગલી સાદી છતાં એટલી બધી કળાથી ભરેલી હતી કે ગોખલેને તે અતિશય ગમી ગઈ હતી. બધાંને મળવાનું શહેરમાં રાખ્યું હતું. અને તેને