આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લડત બંધ થઈ હોત તો ત્રણ પાઉંડના કરને વિશે નવો સત્યાગ્રહ કરવો પડત અને તે કરતાં અથાગ દુ:ખ સહન કરવું પડત, એટલું જ નહીં પણ લોકો તેને સારુ તુરત તૈયાર થઈ શકત કે નહીં એ વિશે પણ શંકા તો ખરી જ. એ કર નાબૂદ કરાવવો એ સ્વતંત્ર હિંદીઓની ફરજ હતી. તે નાબૂદ કરવાને અંગે અરજીઓ વગેરે બધા ઈલાજ લેવાઈ ચૂકયા હતા. '૯૫ની સાલથી કર અપાયા કરતો હતો, પણ ગમે તેવું ઘોર દુ:ખ હોય તે પણ જે લાંબા સમય સુધી ચાલે તો લોકો તેને ટેવાઈ જાય છે, અને તેની સામે થવાનો ધર્મ તેમને સમજાવવો મુશ્કેલ થઈ પડે છે, અને તેની ઘોરતા જગતને સમજાવવી તેટલી જ મુશ્કેલ થઈ પડે છે. ગોખલેને અપાયેલા વચને સત્યાગ્રહીઓનો માર્ગ સરળ કરી મૂકયો.. કાં તો સરકાર વચન પ્રમાણે તે કર કાઢી નાખે અને ન કાઢે તો એવો વચનભંગ એ જ લડાઈનું સબળ કારણ થઈ પડે. થયું પણ તેમ જ. સરકારે એક વર્ષની અંદર કર નાબૂદ ન કર્યો એટલું જ નહીં પણ, એ કર કાઢી નહીં શકાય તેમ ચોખ્ખું સંભળાવી દીધું.

એટલે ગોખલેના પ્રવાસથી ત્રણ પાઉંડનો કર સત્યાગ્રહની મારફતે કઢાવવામાં અમને મદદ મળી એટલું જ નહીં, પણ તેમના પ્રવાસથી ગોખલે દક્ષિણ આફ્રિકાના પ્રશ્નના ખાસ જાણકાર તરીકે ગણાયા. તેમના દક્ષિણ આફ્રિકા વિશેના બોલનું વજન પણ વધ્યું, અને દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓ વિશેના અંગત જ્ઞાનને લીધે હિંદુસ્તાને શું કરવું જોઈએ તે તેઓ વધારે સમજી શકયા, અને હિંદુસ્તાનને સમજાવવા પણ શક્તિમાન થયા. જ્યારે ફરી લડત જાગી ત્યારે હિંદુસ્તાનમાંથી પૈસાનો વરસાદ વરસ્યો અને લૉર્ડ હાર્ડિંગે સત્યાગ્રહીઓના તરફ લાગણી બતાવી તેઓને ઉત્તેજન આપ્યું, હિંદુસ્તાનથી મિ. એન્ડ્રૂઝ અને મિ. પિયર્સન દક્ષિણ આફ્રિકામાં આવ્યા એ બધું ગોખલેના પ્રવાસ વિના ન બની શકત. વચનભંગ કેમ થયો અને પછી શું થયું તે નવા પ્રકરણનો વિષય છે.