આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંદેશો તેઓને પહોંચાડે છે. તેઓને સારુ નિશાળ ખોલે છે, અને સામાન્ય અક્ષરજ્ઞાન આપે છે. એમના પ્રયત્નથી કેટલાક ચારિત્ર્યવાન હબસીઓ પણ તૈયાર થયા છે. પણ ઘણા જેઓ અત્યાર સુધી અક્ષરજ્ઞાનની ખામીને લીધે, સુધારાના પરિચયને અભાવે, અનેક અનીતિઓમાંથી મુક્ત હતા તેઓ આજ પાખંડી પણ બન્યા છે. સુધારાના પ્રસંગમાં આવેલા હબસીમાંથી ભાગ્યે જ કોઈ દારૂની બદીમાંથી બચ્યા હોય અને તેઓના મસ્તાન શરીરમાં જ્યારે દારૂનો પ્રવેશ થાય છે ત્યારે તેઓ કેવળ દીવાના બને છે અને ન કરવાનું બધું કરી નાખે છે. સુધારો વધવો એટલે હાજતો વધવી એ તો બે -ને બે ચાર જેવો સીધો મેળ છે. હાજતો વધારવાને અર્થે કહો, બધાને માથાવેરો, કૂબાવેરો આપવો પડે છે. એ વેરો નાખવામાં ન આવે તો અા પોતાનાં ખેતરોમાં રહેનારી કોમ ભોંયની અંદર સેંકડો ગજ ઊંડી ખાણોમાં સોનું કે હીરા કાઢવાને ઊતરે નહીં અને જે ખાણોને સારુ એમની મજૂરી ન મળી શકે તો સોનું અથવા તો હીરા પૃથ્વીનાં અાંતરડાંમાં જ રહી જાય. તેમ જ યુરોપનિવાસીઓને નોકરવર્ગ પણ તેઓની ઉપર કર નાખ્યા વિના મળવો મુશ્કેલ છે. પરિણામ એ આવ્યું છે કે ખાણોની અંદર કામ કરતા હજારો હબસીઓને બીજાં દરદોની સાથે એક જાતનો ક્ષયરોગ પણ થાય છે કે જે “માઈનર્સ થાઈસિસ'ને નામે ઓળખાય છે, તે રોગ પ્રાણહર છે. તેના પંજામાં આવ્યા પછી થોડા જ ઊગરી શકે છે. આવા હજારો માણસો એક ખાણની અંદર રહે. પોતાનાં બાળબચ્ચાં સાથે ન હોય એવી સ્થિતિમાં એ કેટલો સંયમ જાળવી શકે એ વાંચનાર સહેજે વિચારી શકશે. તેને પરિણામે થતાં દરદોના પણ આ લોકો ભોગ થઈ પડે છે. દક્ષિણ આફ્રિકાના વિચારશીલ ગોરાઓ પણ આ ગંભીર પ્રશ્નનો વિચાર નથી કરતા એમ નથી. તેઓમાંના કેટલાક અવશ્ય માને છે કે સુધારાની અસર આ કોમ ઉપર એકંદરે સારી પડી છે એવો દાવો ભાગ્યે જ કરી શકાય. એની નઠારી અસર તો હરકોઈ માણસ જોઈ શકે છે.

આ મહાન દેશમાં જયાં આવી નિર્દોષ કોમ વસતી હતી ત્યાં લગભગ ચારસો વરસ પૂર્વે વલંદા લોકોએ થાણું નાખ્યું. તેઓ ગુલામો