આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮. ખાણના માલિકો પાસે અને પછી


ખાણના માલિકોની માગણીથી હું તેમની પાસે ડરબન પહોંચ્યો. હું સમજ્યો કે માલિકો ઉપર કંઈક અસર થઈ છે. ત્યાંથી કંઈ વળે એમ મેં નહોતું માન્યું, પણ સત્યાગ્રહીની નમ્રતાને હદ નથી, નથી હોતી. તે સમજૂતીનો એક પણ અવસર જવા દેતો નથી, તેથી તેને કોઈ બીકણ ગણે તો તે પોતાને બીકણ ગણાવા દે છે. જેના હૃદયમાં વિશ્વાસ છે અને વિશ્વાસથી નીપજતું બળ છે તેને બીજાની અવગણનાનો શોચ નથી થતો. તે પોતાના અંતરબળ ઉપર નિર્ભર રહે છે. આથી સહુને નમતો તે જગતનો મત કેળવે છે, ને તેને પોતાના કાર્ય તરફ આકર્ષે છે.

એથી મને માલિકોનું આમંત્રણ આવકારદાયક લાગ્યું. હું તેમની પાસે પહોંચ્યો. મેં જોયું કે હવામાં ગરમી હતી. મારી પાસેથી સમજવાને બદલે તેમના પ્રતિનિધિએ મારી ઊલટતપાસ શરૂ કરી. તેમને મેં યોગ્ય ઉત્તર વાળ્યા. તેમને કહ્યું કે, 'આ હડતાળ બંધ કરવી તમારા હાથમાં છે.'

'અમે કંઈ અધિકારી નથી,' તેઓ તરફથી કહેવામાં આવ્યું.

મેં કહ્યું, 'તમે અધિકારી નથી છતાં ઘણું કરી શકો છો. તમે મજૂરોનો કેસ લડી શકો છો. તમે સરકારની પાસે ત્રણ પાઉંડનો કર દૂર કરવાની માગણી કરો તો તે ન કરે એમ હું માનતો નથી; તમે બીજાઓનો મત કેળવી શકો છો.'

'પણ સરકારે મૂકેલા કરની સાથે હડતાળને શો સંબંધ ? માલિકો મજૂરોને દુઃખ દેતા હોય તો તમે તેમને કાયદેસર અરજી કરો.'

'મજૂરોની પાસે હડતાળ સિવાય બીજો રસ્તો હું જોતો નથી. ત્રણ પાઉંડનો કર પણ માલિકોને ખાતર મૂકવામાં આવ્યો છે. માલિકો મજૂરોની મજૂરી માગે છે, પણ તેઓની સ્વતંત્રતા નથી ઇચ્છતા. તેથી એ કર દૂર કરાવવાને સારુ મજૂરોની હડતાળમાં હું કયાંયે અનીતિ, એટલે કે માલિકો પ્રત્યે અન્યાય જોતો નથી.'

'ત્યારે તમે મજૂરોને કામ પર જવાનું નહીં કહો ?'

'હું લાચાર છું.'